ગાંધીનગર

દલિત સમાજ રૂપાણી સરકારને ‘૪૨૦નો એવોર્ડ’ એનાયત કરશે : જીજ્ઞેશ મેવાણી.

Gandhinagar :
પાટણના દલિત શહીદ ભાનુભાઈ વણકરના પરિવારને રાજ્ય સરકારના સચિવ દ્વારા અપાયેલી લેખિત બાહેંધરીમાં આજે સરકાર કોઈ ઉકેલ નહિ લાવે તો ચારગણી તાકાતથી લડવાનું આહ્વાન કરતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ હુંકાર કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે ડૉ. બાબાસાહેબ આંબેડકર એવોર્ડ ભાનુભાઈ વણકરને એનાયત કરવામાં નહીં આવે તો આ એક નંબરની જુઠ્ઠી અને ગદ્દાર રૂપાણી સરકારને સમગ્ર દલિત સમાજ તરફથી ‘૪૨૦નો એવોર્ડ’ એનાયત કરવામાં આવશે.પાટણના સામાજિક કાર્યકર અગ્રણી ભાનુભાઈ વણકરે સમાજના પરિવારજનોને જમીન અને અન્ય હક્ક અપાવવા માટે અગ્નિદાહ કરી વહોરેલી શહાદતની અર્ધ વરસીએ આજે ગાંધીનગરમાં રેલી યોજવામાં આવી હતી. ગાંધીનગરના પ્રવેશધ્વાર ઘ-૦થી સેક્ટર-૬માં સત્યાગ્રહ છાવણી સુધી રેલી યોજવામાં આવી હતી. ન્યાય અને હક માટેના સુત્રોચ્ચાર સાથેની આ રેલી સભામાં ફેરવાતા જુદા જુદા જીલ્લાના આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ સભાને સંબોધતા વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ૬ મહિના સુધી શહીદ ભાનુભાઈ વણકરના પરિવારને સચિવ ધ્વારા અપાયેલી બાહેંધરીનો અમલ નહીં કરનાર રૂપાણી સરકારને એક નંબરની જુઠ્ઠી અને ગદ્દાર ગણાવી હતી. આ સાથે દલિત સમાજ પાટણ, ઉના કે થાનગઢ ભૂલ્યા નથી અને ભુલશે પણ નહીં તેવો હુંકાર કરતા જણાવ્યું હતું કે, આ સરકાર બંધારણ અને લોકતંત્રને ખતમ કરી દલિત, આદિવાસી અને મુસ્લિમ સમાજની ચામડી ઉખેડી રહી છે. ભાનુભાઈ વણકરના પરિવારને અપાયેલી ૮ બાહેંધરી અંગે આજે સચિવને રજૂઆત મારફતે સરકાર યોગ્ય ઉકેલ નહીં લાવે તો ચાર ગણી તાકાતથી લડત આપવામાં આવશે. આ સાથે દલિતો સામેના કેસો પાછા ખેંચવાની માંગ કરતા તેમણે જણાવ્યું હતું કે, આ માંગણીઓના ઉકેલ માટે દરેક એસસી-એસટી ધારાસભ્યો અને સાંસદો સરકારમાં રજૂઆત કરે તે માટે તેમનો ઘેરાવ કરવામાં આવશે. તેમણે આ વર્ષે કોઈપણ દલિત સાહિત્યકાર કે અગ્રણીને બાબાસાહેબ આંબેડકર એવોર્ડ માટે અરજી નહીં કરી ભાનુભાઈ વણકરના નામ માટે એક અવાજે ઝુંબેશ ચલાવવા અપીલ કરી હતી.તેમણે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર પાસે માનીતા ઉદ્યોગપતિઓને આપવા માટે જમીન છે. પરંતુ દલિતોને હકની જમીન આપવામાં આવતી નથી. દેશના સ્વાતંત્ર્ય દિવસે વડાપ્રધાન મોદી જુઠ સિવાય કંઈજ બોલ્યા નહીં હોવાનું જણાવતા મેવાણીએ કહ્યું કે, બંધારણ સળગાવી ડૉ.આંબેડકર અને દલિતોનું અપમાન કરનાર બાબતે એક શબ્દ નહીં બોલનાર મોદીએ બળાત્કાર વિષે પણ મગરના આંસુ સાર્યા હતા. મોદીને નાલિયાકાંડનો રીપોર્ટ જાહેર કરવાનો પડકાર ફેકતા મેવાણીએ જણાવ્યું કે, કુપોષણ, બીપીએલ કાર્ડ, મકાન માટે ન્યાય આપવાનું પણ નહીં કહેનાર મોદીએ ત્રણ મહિલા જજ માટે વાહ વાહ કરી…પણ આ શાસનમાં જજોએ પ્રેસ કરી તેમનું ગળું ટુંપાતું હોવાનું કહેવું પડે ત્યારે મોદીએ ૩૦ મહિલા જજ નીમવા જોઈએ જેથી જશોદાબેનને પણ ન્યાય મળે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x