ગાંધીનગરની ચંદ્રાલા સેવા સહકારી મંડળીના પરિસરમાં તસ્કરો ત્રાટકી 1.11 લાખનો માલસામાન લઈને ફરાર
ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારના ચંદ્રાલા ગામે આવેલ સેવા સહકારી મંડળ પરિસરમાં મોડી રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. પરિસરમાં આવેલ વીજ દુકાનના તાળા તોડી 12 પંખા, સબમર્સીબલ, સ્વીચો, વાયરોના બંડલ સહિત 1.11 લાખની વીજ ચીજવસ્તુઓની ચોરી કરી જતા ચિલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગર જિલ્લામાં વાહન ચોરી, ઘરફોડ ચોરી સહિતના મિલકત સંબંધી ગુનાઓમાં પણ મોબાઈલ ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે શનિવારે રાત્રે ચંદ્રાલા ગામની સેવા સહકારી મંડળી પરિસરમાં આવેલી દુકાનમાં તસ્કરોએ ત્રાટકીને ઘાતકી રીતે ચોરીને અંજામ આપ્યો હતો. અહીના ગામમાં રહેતો રીકીન રસીકભાઈ પટેલ સેવા સહકારી મંડળની જગ્યામાં છેલ્લા છ માસથી ઉમિયા ઈલેકટ્રીક નામથી ઈલેકટ્રીક સામાન વેચવાની દુકાન ચલાવે છે.
4 સપ્ટેમ્બરના રોજ રાબેતા મુજબ રાત્રીના આઠ વાગ્યાના અરસામાં રિકીન દુકાનનું શટર બંધ કરીને ઘરે ગયો હતો. ગઈકાલે રવિવારે સવારે રિકીન દૂધ લેવા માટે દુકાનની પાછળ આવેલી ડેરીમાં ગયો હતો. ત્યારે તેમની દુકાનના શટરના દરવાજાનું તાળુ તૂટેલું જોવા મળ્યું હતું. જેથી રિકીએ દુકાનનું ઈન્ટરલોક ખોલીને અંદર તપાસ કરતાં તમામ સામાન વેરવિખેર હતો.દુકાનમાંથી ઓરીએન્ટ કંપની સીલીંગ ફેન નં.-12, જે ક્રોમ્પ્ટન કંપની સીલીંગ ફેન નં.-8, હાફ એચપી સબમર્સીબલ વોટર મોટર નં.-3, ફિલીપ્સ કંપની આયર્ન નં.-6, સિસ્કા કંપનીની એલ.ઈ.ડી. જેમાં તસ્કરો બલ્બ કાર્ટૂન, હાઈફાઈ કંપનીનું એમસી, બી સ્વિચ કુલ બોક્સ નંગ-8, વાયર બંડલ સહિત 1.11 લાખની વીજ વસ્તુઓની ચોરી કરી ગયાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.