ગાંધીનગરગુજરાત

ડ્રગ્સ સામે ગુજરાત સરકાર એક્શનમાં: રાજ્યમાં 6 નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સ શરૂ કરાશે

ગાંધીનગર: ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવાના સંકલ્પ સાથે રાજ્ય સરકારે એક મોટું પગલું ભર્યું છે. રાજ્યમાં હવે ઝોન મુજબ કુલ 6 નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) યુનિટ્સની સ્થાપના કરવામાં આવશે. આ યુનિટ્સ ડ્રગ્સના વેચાણ, હેરફેર અને ઉત્પાદન પર અંકુશ લગાવશે અને ડ્રગ્સ સામેની લડાઈને વધુ મજબૂત બનાવશે.

વર્તમાન નાર્કોટિક્સ સેલને વધુ સશક્ત બનાવવા માટે આ નવા યુનિટ્સમાં 1 એસ.પી., 6 ડીવાયએસપી, અને 13 પીઆઇ સહિત કુલ 177નું વધારાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આ સાથે, હવે નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કુલ 211 અધિકારીઓ અને કર્મચારીઓ કાર્યરત થશે. આ યુનિટ્સનું સમગ્ર સુપરવિઝન સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવશે.

છ નવા ANTF યુનિટ્સ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બોર્ડર ઝોનમાં કાર્યરત થશે. આ ઝોનલ માળખું રાજ્યના દરેક ખૂણામાં ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મદદ કરશે. ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું છે કે આ યુનિટ્સ દ્વારા ડ્રગ્સ માફિયાઓ, સપ્લાયર્સ અને પેડલર્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ વડા વિકાસ સહાયના જણાવ્યા મુજબ, આ ઝોનલ પોલીસ સ્ટેશનો દ્વારા ડ્રગ્સના ગુનાઓની તપાસમાં એકસૂત્રતા જાળવવામાં આવશે, જેનાથી આરોપીઓને કડક સજા અપાવવાની પ્રક્રિયા સરળ બનશે. આ યુનિટ્સમાં ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટ પણ કાર્યરત રહેશે, જે ડ્રગ્સ સિન્ડિકેટ માળખા અને આંતરરાજ્ય ગુનેગારોની માહિતી એકત્રિત કરી કાર્યવાહીને વેગ આપશે. અસામાજિક તત્વો સામે પાસા (PASA)ની જેમ ડ્રગ્સના ગુનેગારો સામે PIT NDPS હેઠળ કાર્યવાહી કરવાથી ડ્રગ્સ માફિયાઓ પર કડક પગલાં ભરી શકાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *