અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદતા ટ્રેડ વોર શરૂ
નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર હવે વધુ તીવ્ર બન્યો છે. અમેરિકાએ ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર વધારાનો 25% ટેરિફ લાદવાનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે, જેના કારણે કુલ ટેરિફ 50% થઈ ગયો છે. આ નવા નિયમો 27 ઓગસ્ટ, 2025થી અમલમાં આવશે.
આ નિર્ણય પાછળનું કારણ રશિયા પાસેથી ભારત દ્વારા ખરીદવામાં આવતું તેલ છે, જેનાથી યુક્રેન યુદ્ધ રોકી શકાતું નથી, તેવું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે. આ ટેરિફથી ભારતના મુખ્ય નિકાસ ક્ષેત્રોને મોટો ફટકો પડશે. ખાસ કરીને ટેક્સટાઇલ, રત્ન-આભૂષણ, ચામડું, સમુદ્રી ઉત્પાદનો, રસાયણો અને ઓટો પાર્ટ્સ પર સૌથી વધુ અસર થશે. ભારત અમેરિકામાં કુલ 87 બિલિયન ડોલરની નિકાસ કરે છે, જે દેશના કુલ GDPનો 2.5% હિસ્સો છે. જોકે, ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર્સ અને ઉર્જા સંસાધનો પર આ ટેરિફ લાગુ પડશે નહીં.
આ પરિસ્થિતિને જોતાં, ભારતીય વહીવટીતંત્ર પણ સક્રિય થયું છે. અમેરિકાના ટેરિફની સમીક્ષા કરવા અને જરૂરી પગલાં લેવા માટે આજે વડાપ્રધાન કાર્યાલય (PMO)માં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવાની શક્યતા છે.