ડિસેમ્બર 2018થી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનું નિર્માણ કાર્ય શરૂ થશે
નવી દિલ્હી :
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનું કામ ડિસેમ્બર 2018માં શરૂ કરવામાં આવશે. લગભગ ત્રણ વર્ષના અંતે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે તૈયાર થશે.
આ અંગે વધુ માહિતી આપતા રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે એપ્રિલ, 2018માં સરકારની દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના મહત્ત્વકાંક્ષી યોજના તૈયાર કરવામાં આવી હતી. અંદાજિત, ટ્રિલિયન રૂપિયાના ખર્ચ હેઠળ તૈયાર થયેલી યોજના દેશના બે મહત્ત્વના શહેર દિલ્હી-મુંબઈને વધુ નજીક લાવશે. દિલ્હી-મુંબઈ વચ્ચેનું બાય કારનું 24 કલાક કપાતું અંતર હવે 12 કલાકમાં જ કાપી શકાશે. જ્યારે દિલ્હી-મુંબઈ વચ્ચે ટ્રક દ્વારા પહોંચવામાં હાલ લાગતા 44 કલાકને બદલે 22 કલાકમાં ટ્રક દિલ્હીથી મુંબઈ પહોંચી શકશે.
કિલોમીટરની દૃષ્ટિએ પણ દિલ્હી-મુંબઈ વચ્ચે લગભગ 200 કિ.મી.નું અંતર ઓછું થશે. હાલનું 1450 કિ.મી.નું અંતર એક્સપ્રેસ-વે તૈયાર થતા 1250 કિ.મી જેટલું થશે.
નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ઝડપથી એક્સપ્રેસ-વેનું નિર્માણ કરવા એક સાથે 40 જગ્યાએ કામ શરૂ કરવામાં આવશે.
તેમણે નાણાભંડોળ બજારમાંથી મળી રહેવાની શક્યતા પણ દર્શાવી હતી. યોજના મુજબ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે નેશનલ હાઈવે-8ને સમાંતર રાખવાની યોજના હતી પરંતુ જમીન સંપાદનના પ્રશ્ર્નને કારણે યોજનામાં થોડો ફેરફાર કર્યો હોવાનું ગડકરીએ જણાવ્યું હતું.
યોજનાના નવા રસ્તા મુજબ દિલ્હી બહારના ગુરુગ્રામથી શરૂ થઈ પૂર્વના રસ્તે અલવર તરફથી થઈ મધ્ય પ્રદેશના જાબુઆ અને રતલામ આદિવાસી વિસ્તારમાંથી રસ્તો પસાર થશે. ત્યાંથી ગુજરાતના બરોડા તરફ રસ્તો તૈયાર કરવામાં આવશે. યોજના મુજબ હરિયાણાના મેવાત અને ગુજરાતના દાહોદના પછાત વિસ્તારોને એક્સપ્રેસ-વે સાથે જોડવામાં આવશે.
તૈયાર થયેલા નકશા પ્રમાણે એક્સપ્રેસ-વે યોજના મુજબ દિલ્હી-ગુરુગ્રામ-મેવાત-કોટા-રતલામ – ગોધરા – વડોદરા – સુરત – દહીસર – મુંબઈ સુધી વિસ્તરશે.
ગડકરીના જણાવ્યા મુજબ નવા રૂટના તૈયાર થયેલા નકશાને પરિણામે જમીન સંપાદન અંગે સરકારના 16000 કરોડ રૂ. બચશે. મુખ્ય યોજના અંતર્ગત નિર્માણ થનારા રસ્તા મુજબ સંપાદિત કરવાની જમીનનો ભાવ રૂ. 7 કરોડ પ્રતિ હેક્ટર હતો, જ્યારે નવા નકશા મુજબના વિસ્તારોમાં આવતી જમીનના ભાવમાં પ્રતિ હેક્ટર 80 લાખ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. એક્સપ્રેસ-વેના નિર્માણથી દિલ્હી-એનસીઆર ખાતે સર્જાતા ભારે ટ્રકના ટ્રાફિકની સમસ્યાનું પણ નિવારણ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. નેશનલ હાઈવે નં.8 પર પસાર થતા પ્રતિદીન લગભગ ત્રણ લાખ વાહનોને નવા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના નિર્માણથી લાભ થશે.