રાષ્ટ્રીય

ભારત પહેલાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડાને બાયોફ્યુઅલ ફ્લાઈટની ઉડાન ભરાવવામાં સફળતા હાથ લાગી હતી

નવી દિલ્હી :

દેશની પ્રથમ બાયોફ્યુઅલ ફ્લાઈટે સફળ ઉડાન ભરીને નવો ઈતિહાસ સર્જ્યો છે. એ સાથે જ બાયોફ્યુઅલ વિમાન ઉડાડનારા ગણ્યા ગાંઠયા દેશોમાં ભારતનો સમાવેશ થયો છે. ભારત પ્રથમ વિકાસશીલ દેશ છે, જેણે આ સફળતા મેળવી છે. દહેરાદૂન-દિલ્હી વચ્ચેનું અંતર આ ફ્લાઈટે ૨૫ મિનિટમાં પૂરું કર્યું હતું.

ભારતમાં બાયોફ્યુઅલ એટલે કે જૈવ ઈંધણથી સંચાલિત ફ્લાઈટે પ્રથમ વખત સફળ ઉડાન ભરીને ઈતિહાસ સર્જ્યો હતો. વિકાસશીલ દેશોમાં ભારત એકમાત્ર એવો દેશ છે, જેને બાયોફ્યુઅલથી સંચાલિત વિમાન વિકસાવીને સફળતાપૂર્વક ઉડાવવામાં સફળતા મળી છે.

સ્પાઈસજેટ બોમ્બાર્ડિયન ક્યુ૪૦૦ નામની ફ્લાઈટે દહેરાદૂનથી દિલ્હીની ઉડાન ભરી હતી. ૨૦ મુસાફરોને લઈને ઉડેલા આ વિમાનને દહેરાદૂનથી દિલ્હીનું અંતર પૂરું કરતા ૨૫ મિનિટનો સમય લાગ્યો હતો. આ ફ્લાઈટમાં ઉડ્ડયન વિભાગના અધિકારીઓ અને કંપનીના અધિકારીઓએ મુસાફરી કરી હતી. આ વિમાનમાં ૭૮ મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વિમાનમાં ૭૫ ટકા એવિએશન ટર્બાઈન ફ્યુલ (એટીએફ) અને ૨૫ ટકા બાયોફ્યુઅલ એમ બંનેનું મિશ્રણ હતું. બાયોફ્યુઅલથી કાર્બન ઉત્સર્જનમાં માતબર ઘટાડો થાય છે અને લાંબાંગાળે આ ફ્યુઅલનો વપરાશ વધે તો કાર્બન ઉત્સર્જનને ૫૦ ટકા સુધી ઓછું કરી શકાય છે.

કંપનીએ સફળ ઉડાન પછી એવું ય કહ્યું હતું કે બાયોફ્યુઅલથી અત્યારનો ફ્યુઅલ ખર્ચ નીચો લાવી શકાય છે અને સરવાળે લાંબાંગાળે વિમાનના ભાડામાં ઘટાડો કરી શકાશે.

બાયોફ્યુઅલથી સંચાલિત દુનિયાની પ્રથમ ફ્લાઈટ ચાલુ વર્ષના શરૃઆતમાં ઉડી હતી. લોસ એન્જલસથી મેલબર્ન વચ્ચે ઉડેલી પ્રથમ ફ્લાઈટ પછી બીજા બે-ત્રણ પ્રયાસો થયા છે. ભારત પહેલાં માત્ર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડાને જ બાયોફ્યુઅલ વિમાન ઉડાવવામાં સફળતા મળી છે.

બાયોફ્યુઅલ શું છે?

શાકભાજીના તેલ, રિસાઈકલ ગ્રીસ, પ્રાણીઓના ફેટ વગેરેની મદદથી બાયોફ્યુઅલ એટલે કે જૈવિક ઈંધણ તૈયાર કરવામાં આવે છે. પરંપરાગત પેટ્રોલિયમને બદલે આ ઈંધણ વાપરવાનો વિકલ્પ વધુ હિતકારી જણાયો છે. કારણ કે તેના કારણે કાર્બનનું ઉત્સર્જન ઘણું ઘટી જાય છે. જે સરવાળે પર્યાવરણ માટે વધુ ફાયદાકારક રહેશે. એરલાઈન્સ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશને એવો નિર્ધાર કર્યો છે કે ૨૦૫૦ સુધીમાં એવિએશન ઈન્ડસ્ટ્રીમાંથી પેદા થતા કાર્બનમાં ૫૦ ટકાનો ઘટાડો કરવો છે. એ નિર્ધાર માટે બાયોફ્યુઅલ ખૂબ ઉપકારક સાબિત થાય તેવી શક્યતા છે. સંશોધકોને એવી આશા છે કે બાયોફ્યુઅલથી કાર્બનનું ઉત્સર્જન ૮૦ ટકા સુધી ઘટાડી શકાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x