આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઇ કાનાણીના અધ્યક્ષસ્થાને અમરેલી ખાતે અભયમ મહિલા સુરક્ષા સંમેલન યોજાયું
અમરેલી :
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સુરક્ષાના સંકલ્પ સાથે મહિલા સુરક્ષા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. અમરેલી સ્થિત સંઘાણી હોલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ રાજયમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીએ દીપપ્રાગટ્ય કરી જિલ્લાકક્ષાના અભયમ મહિલા સુરક્ષા સંમેલન કાર્યક્રમને ખૂલ્લો મૂક્યો હતો.
આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીએ પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું કે, રાજય સરકારના સકારાત્મક વલણને લીધે છેવાડાની મહિલાઓનો ઉત્કર્ષ થયો છે. મહિલા સ્વાવલંબનની પ્રવૃત્તિઓ માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે. રાજય સરકારના દીર્ઘદ્રષ્ટિભર્યા આયોજનને લીધે મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અમલી છે જેના કારણે મહિલાઓ વધુ સક્ષમ બની શકે તેવી સ્થિતિનું સર્જન થયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઉજ્જવલા યોજના એ મહિલાઓ માટે ઘણી ઉપયોગી નિવડેલી યોજનાઓ છે.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, મહિલાઓ માટે રાજય સરકારે આરોગ્ય, શિક્ષણ, સામાજિક, સુરક્ષા, સ્વાવલંબન એમ સર્વગ્રાહી પાસાઓને ધ્યાને લઇ યોજનાઓનું અમલીકરણ કર્યુ છે. ભરતીમાં પણ મહિલાઓને અનામત આપવામાં આપવામાં આવે છે.
સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ જણાવ્યું કે, સામાજિક જાગૃત્તિ આવે અને કુરિવાજોનું નિર્મૂલન થાય તે માટે પ્રતિબધ્ધ થવું જરૂરી છે. સમાજમાં નારીઓનું સન્માન જળવાય રહે અને તેમની સુરક્ષા થાય તે માટે જાગૃત્તિ આવે તે આવશ્યક છે. મહિલાઓના ઉત્કર્ષ માટે રાજય સરકારે અનેકવિધ કાર્યક્રમો અમલી કર્યા છે. તેમણે બેટી બચાવો બેટી પઢાઓ અને મહિલાઓને સ્વનિર્ભર બનવા મદદરૂપ બનતી યોજનાઓ વિશે પણ જણાવ્યું હતુ.
દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી રમેશ ઝાંખણીયાએ શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમણે મહિલા સુરક્ષા માટેની યોજનાકીય વિગતો વિશે જણાવ્યું હતુ.
કાર્યક્રમમાં મહિલા સુરક્ષાલક્ષી યોજનાઓ અંગેનું માર્ગદર્શન તથા જરૂરી વિગતો આપવામાં આવી હતી. મહિલા સુરક્ષા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત મહિલા ખેલાડીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવેલ.
શ્રી રૂબિનાબેન બ્લોચે ૧૮૧ અભયમ પરિચય અને તેની કામગીરી વિશે જણાવ્યું હતુ. તેમણે ૧૮૧ અભયમ મોબાઇલ એપ્લિકેશનની વિગતો પણ જણાવી હતી.
કાર્યક્રમમાં ૧૮૧ અભયમ, આરોગ્ય, ઉજ્જવલા યોજના, મિશન મંગલમ, આધાર કાર્ડ નોંધણી સહિતના સ્ટોલ્સ ગોઠવવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં કલેકટરશ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ નિરગુડે, નાયબ જિલ્લા પોલીસ વડાશ્રી દેસાઇ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ડોબરીયા, પ્રાંત અધિકારીશ્રી સતાણી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જાદવ, જિલ્લા રમતગમત અધિકારીશ્રી વસાવા, ડૉ. સિંઘ, સિવિલ સર્જનશ્રી ડૉ. રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઇ હિરપરા, અગ્રણી સર્વશ્રી મયુરભાઇ હિરપરા, શ્રી કમલેશભાઇ કાનાણી, શ્રી કૌશિકભાઇ વેકરીયા, શ્રી ભરતભાઇ વેકરીયા, શ્રી મધુબેન જોષી, શ્રી કિરણબેન, જિલ્લા કો-ઓર્ડિનેટરશ્રી યોગેશભાઇ જાની, શ્રી જયોતિબેન પાનસુરિયા સહિતના પદાધિકારીશ્રીઓ, આગેવાન-અગ્રણીશ્રીઓ, મહાનુભાવો અને મહિલા બાળ વિકાસ, પંચાયત, ગ્રામ વિકાસ, શિક્ષણ, પોલીસ, આરોગ્ય સહિત વિભાગોના મહિલા સદસ્યો, અગ્રણીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ, અધિકારી-કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલનશ્રી ભાવનાબેને કર્યુ હતુ.