ગુજરાત

કચ્છ યુનિવર્સિટી, આર્ષ શોધ સંસ્થાન અને અક્ષરધામ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ‘ભૂકંપગ્રસ્તોના ભેરુ – પ્રમુખસ્વામી મહારાજ’ વિષય પર સેમિનાર યોજાયો

ભુજ: વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે પ.પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી ભગવાન શ્રી સ્વામિનારાયણે ચીંધેલા રાહે, માનવ માત્રના સર્વાંગી ઉત્કર્ષ માટે, પોતાના જીવનની ક્ષણે-ક્ષણનું બલિદાન આપનાર, અવિરત વિચરણ કરી ગામેગામ અને દેશ-પરદેશમાં પધરામણીઓ કરી, અસંખ્ય લોકોનાં સુખ-દુઃખમાં ભાગીદાર બની, તેમને આત્મીયતાપૂર્ણ વ્યક્તિગત મુલાકાત આપનાર, લોકસેવાનાં વિરાટ કાર્યોની અવિરત વણઝાર વચ્ચે અહોરાત્ર સેવાકીય પ્રવૃત્તિઓ કરી જીવપ્રાણીમાત્રમાં પરમાત્માનાં દર્શન કરી સેવાનો આનંદ લેતાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના બહુપરિમાણિય વ્યક્તિત્વને જુદા-જુદા દૃષ્ટિકોણથી મૂલવતી અને તેઓના દિવ્ય જીવન કાર્યને અર્ઘ્ય આપતી વિવિધ કાર્યક્રમોની શૃંખલાઓ સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે.26 જાન્યુઆરી, 2001 ગુજરાતમાં વિનાશક ધરતીકંપમાં હજારોના પ્રાણપંખેરું ક્ષણમાં ઊડી ગયા, હજારો લોકો બેઘર બની ગયા, હજારો લોકો ઘડીમાં હાથ-પગ વિનાના થઈ ગયા અને કરોડો લોકો ભયના ઓથાર નીચે ફફડતા પારેવડાંની જેમ કાંપતા થઈ ગયા. કુદરતની આ વિનાશલીલા સામે ભલે માણસ વામણો પુરવાર થયો પરંતુ માનવતા મુઠ્ઠી ઉંચેરી નીવડી. ગુજરાતના ઘરોઘરમાંથી અને દેશ-વિદેશમાંથી ઠેરઠેર સહાનુભૂતિની સરિતા વહેવા લાગી. ભૂકંપની એ વિનાશક પળો દરમિયાન પ્રમુખસ્વામી મહારાજે ભૂકંપગ્રસ્તોની સેવામાં જોડાઇ જવા સંતો અને સંસ્થાના સ્વયંસેવકોને આદેશ આપ્યો અને ઠેરઠેર સ્વામીશ્રીની કરુણા ગંગા ભૂકંપગ્રસ્તોમાં વહેલા લાગી. ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ સારું કાર્ય કરતી હતી, પરંતુ તે એકાદ ભાગ જ સંભાળે, કોઇ દવાઓ પૂરી પાડે, કોઇ અનાથ બાળકોની સંભાળ લે, કોઈ બચાવ કામગીરી કરે પરંતુ બીએપીએસ સંસ્થાએ બચાવ કામગીરીથી લઇને ગરમાગરમ ભોજન, આરોગ્ય સેવા, રાહત સામગ્રીનું વિતરણ, પુનર્વસવાટ અને ભૂકંપગ્રસ્તોને રોજગાર સુધીની પૂર્ણ સેવા આપી હતી.આવી રીતે સ્વામીશ્રીએ ભૂકંપગ્રસ્તોના ભેરુ બની કરેલા કાર્યોને લક્ષ્યમાં રાખીને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ-કચ્છ અને આર્ષ શોધ સંસ્થાન, સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે “ભૂકંપગ્રસ્તોના ભેરુ – પ્રમુખસ્વામી મહારાજ” એ વિષય પર તા.12-10-2022ના રોજ ટાઉન હોલ, ભુજ-કચ્છ ખાતે સવારે 10.30 થી બપોરે 12.30 દરમિયાન વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ-કચ્છના કુલપતિશ્રી, પ્રો. ડૉ. જયરાજસિંહ ડી. જાડેજા, પ્રથમ વક્તા તરીકે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, અબુધાબી, (UAE)ના પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામી, પૂ. વેદચિંતનદાસ સ્વામી, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, સારંગપુર પૂ. આત્મમનનદાસ સ્વામી, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, સારંગપુર, આર્ષ શોધ સંસ્થાન, સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગરના નિયામકશ્રી, પ્રો. ડૉ. પૂ. શ્રુતિપ્રકાશદાસ સ્વામી, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, ભુજ-કચ્છના કોઠારીશ્રી પૂ. વિવેકમંગલદાસ સ્વામી તેમજ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ-કચ્છના પરીક્ષાનિયામકશ્રી, ડૉ. તેજલ શેઠ કચ્છજીલ્લાના સરકાર અધિકૃત પ્લીડર પબ્લીક પ્રોસ્ક્યુક્ટર શ્રી કલ્પેશ ગોસ્વામી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાગાન તેમજ દીપપ્રાગટ્યથી થઈ. ત્યારબાદ પરમ પૂજ્ય બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખસ્વામી મહારાજની આયોજનશક્તિ, નિર્ણયશક્તિ તથા દૂરંદેશિતાથી તેમણે કરેલાં વિવિધ માનવ ઘડતરલક્ષી કાર્યોની સ્મૃતિ વીડિયોના માધ્યમથી કરાવાઈ હતી. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ-કચ્છના પરીક્ષા નિયામકશ્રી, ડૉ. તેજશભાઇ શેઠે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી ઉપસ્થિત સૌ મહાનુભાવોનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું તથા સેમિનારના આયોજન અંગેની પૂર્વ યોજના વિષે માહિતી આપી હતી તેમજ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય ગુણોની સ્મૃતિ કરી હતી.

સંચાલકશ્રીએ વક્તાઓનો પરિચય આપ્યો હતો. પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામીએ “ભૂકંપગ્રસ્તોના ભેરુ – પ્રમુખસ્વામી મહારાજ” વિષયક અબુધાબીથી વીડીયો સંદેશ દ્વારા વાત કરતાં સૌ પ્રથમ કચ્છ-ભુજવાસીઓને સેમિનારમાં સંજોગોવસાત્ પ્રત્યક્ષ ઉપસ્થિત ન રહેવા બદલ દિલગીરી વ્યકત કરી હતી અને જણાવ્યું કે હું પ્રત્યક્ષ હાજર રહી શક્યો નથી પરંતુ ભુજ હંમેશા મારા હૃદયમાં વસેલું છે. જે બને છે એ જ જીવન છે. જે આપણને ખ્યાલ પણ ન હોય અને જે પરિસ્થિતિ બને છે તે ભગવાનની ઈચ્છા અનુસાર બને છે. તેવી રીતે ભગવાનની ઈચ્છા પ્રમાણે ભૂકંપ પણ આવ્યો હતો. તે પ્રમાણે મારે પણ ભૂકંપને કારણે પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી સૌ પ્રથમવાર ભૂજ આવવાનું થયું. ભૂકંપ સમયે પ્રમુખસ્વામી મહારાજના કરુણાના અને માનવમાત્રની એકતાનાં દર્શન થયા. નિસ્વાર્થ સેવા તે પણ અકલ્પનીય સેવા થઈ શકી તે પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી થઇ.ભૂકંપ વેળાએ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી પ્રમુખસ્વામી મહારાજ અડધી રાતે ફોન કરી પૂછતા. રીલીફ કાર્ય, સહાય સામગ્રીની 18 ટ્રકો ભરીને રોજ આવતી. રાહતકાર્યની સાથે સાથે બીજાના ભલામાં આપણું ભલુ, બીજાનું સુખમાં આપણું સુખ એ રીતે હૂંફ આપી પ્રાર્થના સાથે રી-કન્સ્ટ્રક્શનનું કાર્ય કરેલ છે. તે ઉપરાંત તાજેતરમાં ઓપરેશન ગંગા હેઠળ યુક્રેન અને રશિયા યુદ્ધ વખતે વડાપ્રધાનશ્રીની ટેલિફોનિક વાત પછી બીએપીએસના સ્વયંસેવકો દ્વારા કરેલા કાર્યની પણ વાત કરી હતી. આ સેવા થઈ શકી તેનું કારણ સહાય કરવાની નૈતિક ઇચ્છા હતી તો કાર્ય થઇ શક્યું અને ભારતીયોને પરત લાવી શકાયા. અને તેની પાછળ ભૂકંપ વખતે ભૂજમાં કરેલ કાર્યોનો અનુભવ વિશેષ સહાયભૂત થયો. તેના દ્વારા લાખોની સંખ્યામાં સેવાકીય કાર્યો થયેલા છે. પ્રમુખસ્વામી મહારાજ ભૂકંપ સમયે રોજે રોજના સેવાકીય પ્રવૃત્તિઓની અપડેટ લેતા. આપણે આપત્તિમાં એકબીજાની સેવા કરી શકીએ એ જ માનવતા છે. વીડીયો સંદેશના અંતમાં ફરી એકવાર ભૂજવાસીઓની માફી માગી વક્તવ્ય પૂર્ણ કર્યું હતું.ત્યારબાદ પૂ. વેદચિંતનદાસ સ્વામીએ ભૂકંપમાં પ્રાથમિક તાત્કાલિક સહાય દ્વારા “પ્રમુખસ્વામી મહારાજ ભૂકંપગ્રંસ્તોના ભેરુ કેવી રીતે બન્યા? તેની વાત કરતાં જણાવ્યું કે, જ્યારે 2001ના વર્ષમાં ભૂકંપ થયો તે સમયે પ્રમુખસ્વામી મહારાજ બોચાસણમાં બિરાજમાન હતા. પરંતુ જેવી તેમને માહિતી મળી કે ભૂકંપ આવ્યો છે કે તરત પ્રાર્થના કરી. જેમ આંખની રક્ષા માટે પાંપણ અને શરીરની રક્ષા માટે હાથ સદાય તત્પર હોય છે તેમ તરત જ દરેક મંદિરના કોઠારીઓને ફોન કરી માહિતી મેળવી. ભૂજ મંદિરે સંપર્ક કરતા ફોન લાગતો ન્હોતો એટલે તરત જ પોલીસ કમિશનરની ઓફિસમાંથી સેટેલાઈટ ફોન દ્વારા સંપર્ક કરાવી ભૂજની માહિતી મેળવી અને તાત્કાલિક રાહત સામગ્રી તેમજ ગરમા ગરમ ભોજન વ્યવસ્થા કરવાની આજ્ઞા કરી.જો કોઈ સારામાં સારી કામગીરી કરવી હોય તો, સારા માણસોની ફોઝ પણ જરૂરી હોય છે. તેના માટે પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામી અને તેમની ટીમને મોકલી આપી. આઇ.એ.એસ. અધિકારીમાં જેવી આયોજન શક્તિ હોય તેવી પ્રમુખસ્વામી મહારાજમાં આયોજન શક્તિ હતી. જે રાહત સામગ્રીઓ ભૂજ જવા રવાના કરાવી અને તેમાં ઝીણામાં ઝીણી વસ્તુઓનું ધ્યાન રાખવા સંતોને સૂચનો કર્યા તેમાં દેખાય આવે છે.

તેમણે સ્વયંસેવકોની આહલેક જગાવી તેમને સેવા માટે ભૂજ મોકલ્યા. જેમ સગી માતા ગરમાગરમ ભોજન પીરસે તેવી રીતે રોજ નવા-નવા મેનું સાથે ભૂકંપગ્રસ્તોને રાહત રસોડા દ્વારા ભોજનની વ્યવસ્થા કરાવી. જેણે કોઇ દિવસ બીજા પાસે માગીને ન ખાધું હોય અને શરમને કારણે જમવા ન આવી શકે તેના માટે ટીફીન સેવા પણ શરૂ કરાવી.તબીબી સેવા વ્યવસ્થા માટે સંસ્થા દ્વારા જુદા જુદા મંદિરોમાં રક્તદાન શરૂ કરાવી લોહી પહોચતું કરાવ્યું. વધુમાં વધુ લોકોને લાભ પ્રાપ્ત થાય તે માટે રેકડીમાં ભરી દવાઓ જરૂરિયાતવાળા લોકોને પહોંચતી કરાવી. જેને ચશ્મા તૂટી ગયા હોય તે લોકો માટે ચશ્માની વ્યવસ્થા કરાવી આંખના નંબર પ્રમાણે બલ્કમાં દરેકને ઉપયોગ થાય તેવી અદભૂત વ્યવસ્થા કરાવી.માહિતીના પ્રચાર માટે તાત્કાલિક પોસ્ટલ સર્વિસ, ટેલિફોન સર્વિસ પણ ઉભી કરવામાં આવી જેથી પોતોના સગા વ્હાલાનો સંપર્ક કરી શકાય. આમ મનોવૈજ્ઞાનિક વલણ અપનાવી સેવા કરવામાં આવી. આવી પરિસ્થિતિમાં હૂંફ અને આશ્વાસન આપવા માટે સદગુરુ સંતોને ત્યાં જવાની આજ્ઞા કરી.સ્થાનિક લોકોને પણ સેવામાં જોડ્યા, જેથી ભૂકંપના કારણે પોતાનું સર્વસ્વ ગુમાવ્યાના આઘાતમાંથી બહાર નીકળી શકે અને રાહત અનુભવે તેવી વ્યવસ્થા કરાવી. શિક્ષાપત્રીમાં આજ્ઞા છે કે આપત્તિના સમયમાં પોતે સહન કરી બીજાની રક્ષા કરવી તે ન્યાયે પ્રમુખસ્વામી મહારાજે ભૂકંપના સમયે પાણીની વ્યવસ્થા ન્હોતી તેવા સમયે સંતોને સ્નાન કરવાના નિયમોમાં સ્પંચસ્નાન કરવાની છૂટ આપી, હોનારત સ્થળે રહેવાની આજ્ઞા કરી. તેમજ સંતોને પીડિતોની જેમ તંબુમાં રાત્રીરોકાણ કરવાની આજ્ઞા કરી જેથી લોકોને કેવી કેવી તકલીફ પડે છે તેની જાણ થાય. જેથી ઠંડીના સમયે એક ધાબળાની જગ્યાએ બે-બે ધાબળા આપવા સૂચન કર્યું.ભુજ સિવાય ગામડાંઓમાં સેવાની સરિતા શરૂ કરાવેલી. આટલું બધું કાર્ય કરાવ્યું તેનું કારણ તેમનામાં માનવતાની લાગણી અનુભવાય છે. આમ તેમને ભૂકંપ સમયે સવાયા કચ્છીમાડુ બનીને કામગીરી કરેલ છે તેમના શતાબ્દી વર્ષે કોટિ-કોટિ વંદન.અન્ય વક્તા પૂ. આત્મમનનદાસ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજે લાંબા ગાળાની સહાય કેવી કરેલી હતી તેની વાત કરતાં જણાવ્યું કે, વહેલી તકે અને સારામાં સારું કાર્ય કરી શકીએ એ મહત્ત્વનું હતું. ભૂકંપ સમયે અવસાન પામેલા મૃતકોની સદગતિ માટે સંતોને પિંડદાન નિમિત્તે યજ્ઞ કરવાની વ્યવસ્થા કરાવી.શરૂઆતમાં કામચલાઉ 500 જેટલી આવાસની વ્યવસ્થા કરાવી. તેની સાથે જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ અપાવી. કરીયાણું તો ખરું જ પરંતુ નેઇલ કટર, કાંસકો, સોય, માચીસ વગેરે નાનામાં નાની વસ્તુઓની કીટ બનાવડાવી અર્પણ કરાવી. આવા કપરા સમયમાં પણ બાળકો માટે રમકડાંની વ્યવસ્થા કરાવી. સાથે સાથે બાળકોનો અભ્યાસ ન બગડે તેના માટે કામચલાઉ સ્કૂલો ઊભી કરાવી. ત્યારબાદ કાયમી-પાકા મકાનોની વ્યવસ્થા કરાવી. 15 જેટલા ગામો, 49 સ્કુલોને દત્તક લઈ વ્યવસ્થા ઊભી કરવા સંતોને આજ્ઞા કરી. પાકા મકાનો બનાવતાં પહેલાં સંતોને તેમના સાંસ્કૃતિક અભ્યાસ કરાવી તેમની રહેણીકરણી પ્રમાણે મકાનો બનાવવા આજ્ઞા કરી. એક સંપૂર્ણ ગામમાં જેટલી વ્યવસ્થાઓ હોય તેવી પંદરે પંદર ગામમાં વ્યવસ્થા ઉભી કરાવી. મકાનો બનાવતાં પહેલાં પેઢીઓ સુધીનો વિચાર કરી તેમને ભવિષ્યમાં બીજો માળ મકાન પર લેવો હોય તો લઈ શકે તેવી દીર્ઘ દૃષ્ટિ રાખી વ્યવસ્થાઓ કરી આપી. સાથે સાથે ધંધા–રોજગારની વ્યવસ્થા કરાવી. દરેકને વ્યવસાય પ્રમાણે કીટોનું વિતરણ કરાવી આપી તેઓ આર્થિક રીતે બેઠા થાય તેવી વ્યવસ્થા કરાવી. જે બહેનો પશુપાલન કરતી તેમને પશુઓ આપી આર્થિક રીતે પગભર બેઠા થાય તેવી વ્યવસ્થા કરાવી તેમાં તેમની અપ્રતિમ કરૂણાનો અનુભવ થાય છે. ત્યારબાદ પ્રમુખસ્વામી મહારાજના રાહતની કરુણાના અભિવ્યક્તિના પ્રસંગો ત્યાંના જ રહેવાસીઓ દ્વારા વિડિયોના માધ્યમથી વ્યક્ત કરવામાં આવ્યા હતા.પાકા મકાનોની સાથે ત્યાં કિચન ગાર્ડન પણ ઉભા કરાવ્યા જેથી કાયમી લીલા શાકભાજી મળી રહે. ખેડૂતો માટે કૃષિ વૈજ્ઞાનિકોને બોલાવી તેમને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે શિબિરનું આયોજન કરાવી ખેડૂતોની આર્થિક રીતે ખૂબ સદ્ધર બનાવ્યા.પુનર્વસન અને રાહત સામગ્રીની વાત કરીએ જેમાં, કુલ 18 લાખ, રોજ 40,000 ભૂકંપ પીડિતને ગરમ ભોજન, કુલ 4190 ભુકંપગ્રસ્ત ઘરો સહિત 15 દત્તક ગામોનું નિર્માણ અને પુનર્વસન, કુલ 15000 વિદ્યાર્થીઓના લાભાર્થે 49 ભૂકંપગ્રસ્ત શાળાઓનું નવનિર્માણ, કુલ 91000 દર્દીઓને વિનામૂલ્યે આરોગ્ય સેવા, કુલ 409 ગામમાં રાહત-સામગ્રીનું વિતરણ અને 2500 લોકોને રોજગાર.પ્રમુખસ્વામી મહારાજે આધ્યાત્મિકતા સાથે પુનર્વસનના કાર્યો કરેલા છે.

ભૂકંપગ્રસ્તોની સેવા એ જ ભગવાનની ભક્તિ છે અને તેમને રાજી કરવા માટે સેવા કાર્યો કરેલા છે. તેના મૂળમાં જોવા જઇએ તો ભગવાનની ઇચ્છાથી જ કાર્ય થાય છે તેવી ભાવના સાથે કાર્ય કરતા હતા. તેમના શતાબ્દી વર્ષે તેમના જેવા ગુણો આપણામાં આવે તેવી પ્રાર્થના સાથે વક્તવ્ય પૂર્ણ કર્યું. ત્યારબાદ કચ્છ જીલ્લાના સરકાર અધિકૃત પ્લીડર પબ્લીક પ્રોસ્ક્યુક્ટર શ્રી કલ્પેશભાઈ ગોસ્વામી વાત કરી કે, તે ગોઝારા દિવસે માનવતા-મદદની સેવા કર્તવ્યનિષ્ઠાથી જો કોઈએ કરી હોય તો તે બીએપીએસ સંસ્થાએ કરેલ છે તે પણ ક્વોલીટી સાથે સેવા કરેલ છે. બીએપીએસના સંતો એટલે સ્વયં આર્મી, બીએપીએસના સ્વયંસેવક હોવું તે ગૌરવની વાત છે. સંસ્થાએ તો કાર્ય કરેલું છે તે મેં તો નજરોનજર દીઠેલું-અનુભવ્યું છે કે સંસ્થાએ અદભૂત કાર્ય કર્યું છે. અકલ્પનીય સેવા, ઉત્તરદાયિત્વ સાથે સેવા, પારિવારિક ભાવના જગાડવાની સેવા પ્રમુખસ્વામી મહારાજે કરેલ છે. કચ્છનો ભૂકંપ અને ભૂકંપ પછીનો વિકાસ એ પ્રમુખસ્વામી મહારાજને આભારી છે. આમ તેમને આંખે દેખ્યો અહેવાલ રજૂ કર્યો હતો.અધ્યક્ષીય પ્રવચન કરતાં ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ-કચ્છના કુલપતિશ્રી, પ્રો. ડૉ. જયરાજસિંહ ડી. જાડેજાએ કહ્યું કે, શાંત, અહંશૂન્ય, સાધુતા સભર, આધ્યાત્મિક વ્યક્તિ એટલે પ્રમુખસ્વામી મહારાજ. પળેપળ બીજા માટે જીવન જીવનાર, પોતાની જાતને ભૂલી પરમાત્માની સાથે અનુસંધાન રાખી જીવવું એ પ્રમુખસ્વામી મહારાજ. આવા કેટલાય ગુણો તેમનામાં રહેલા હતા. તેમને અસંખ્ય લોકોનાં જીવન પરિવર્તન કર્યા છે એવા ઉચ્ચ આધ્યાત્મિક શિખર પર બિરાજમાન પ્રમુખસ્વામી મહારાજ હતા. સાથે સાથે તેમણે સંસ્થા સાથેના પારિવારિક સંબંધોની વાત કરી હતી. તેમના અનંત ઉપકારોનું સ્મરણ કરી તેમની શતાબ્દી વર્ષ નિમિત્તે વંદન કરી વક્તવ્ય પૂર્ણ કર્યુ.કાર્યક્રમના અંતમાં સમાપન પ્રવચનમાં આર્ષ શોધ સંસ્થાન, સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગરના નિયામકશ્રી, પ્રો. ડૉ. પૂ. શ્રુતિપ્રકાશદાસ સ્વામી એ કહ્યું કે, કચ્છ યુનિવર્સિટી એટલે શૌર્યગાથા ધરાવતી યુનિવર્સિટી છે કારણ કે ક્રાંતિવીર કૃષ્ણ વર્માની જન્મભૂમિ છે. અસ્મિતા વિના શૂરવીરતા ન હોય અને અસ્મિતા ત્યારે પ્રગટે જ્યારે આપણને ઈતિહાસનું ભાન હોય.

કચ્છની ભૂગોળ બદલનાર આ યુનિવર્સિટી છે. ભૂકંપ પછી જે સવાયું કામ થયું તે સંશોધનનો વિષય છે. અને આ કાર્ય કચ્છ યુનિવર્સિટીએ સેમિનાર દ્વારા કર્યું છે તેથી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.આ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આગામી સમયમાં આયોજિત કાર્યક્રમોની રૂપરેખા સવિસ્તર પ્રસ્તુત કરી સૌને પધારવા ખાસ આમંત્રણ આપી આભાર વિધિ કર્યો હતો.આમ, ટાઉન હોલ, ભુજ-કચ્છ ખાતે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે સ્વામીશ્રીના દિવ્ય જીવન-કાર્યમાંથી પ્રેરણા આપતા ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં મોટી સંખ્યામાં આમંત્રિતો તેમજ શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે યુનિવર્સિટીની વેબસાઇટ અને બીએપીએસ સંસ્થાની પ્રેરણાસેતુ એપ પર તથા માતૃચ્છાયા સ્થાનિક ચેનલ પર લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના ડૉ. પંકજ ઠાકર અને અમિત પોકાર દ્વારા કરવામાં આવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x