મોરબીમાં સરકારના મંત્રી બ્રિજેશ મેરજા સામે જ ભાજપના નેતાઓ, ૧૫ જણાએ દાવેદારી કરી
ગુજરાતમાં હાલમાં ભાજપની સેન્સ પ્રક્રિયા નહીં પણ ભાજપના નેતાઓનો દબદબો ભાજપ ચકાસી રહી છે કે નેતાઓ સામે ક્યાં વિરોધ થઈ શકે છે. ગુજરાતમાં મંત્રીઓ પોતાની સીટ પર વર્ચસ્વ જાળવી શક્યા નથી એ સેન્સ પ્રક્રિયા દર્શાવી રહી છે. ગુજરાતમાં સિરામિક સિટી ગણાતા મોરબીમાં ભાજપ દ્વારા મોરબી અને માળિયામાં ૧૫ લોકોએ દાવેદારી નોંધાવી હતી. રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજા સહિત સિરામિક અગ્રણી મૂકેશ કુંડારિયાની દાવેદારી નોંધાવી હતી. મૂકેશ ઉઘરેજા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી ગડારાએ પણ દાવેદારી નોંધાવી છે.૧૯૬૨થી લઈને ૨૦૧૭ સુધી મોરબી બેઠકમાં ૧૩ વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપે ૬ વખત અને કોંગ્રેસે ૫ વખત જીત મેળવી છે.
૧૯૬૭ની વિધાનસભા ચૂંટણીમાં ‘સ્વતંત્ર પાર્ટી’ની ટિકિટ ઉપર વી. વી. મહેતા આ બેઠકથી ચૂંટાઈને આવ્યા હતા. ૧૯૯૦માં અપક્ષ ઉમેદવાર બાબુભાઈ પટેલ ૧૪૨૦૮ મતોથી ચૂંટણી જીત્યા હતા.રાજ્યસભાની ચૂંટણી સમયે બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. જેથી ખાલી પડેલી આ બેઠક પર વર્ષ ૨૦૨૦માં પેટા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી માટે ભાજપે બ્રિજેશ મેરજાને ટિકિટ આપી હતી, જ્યારે કોંગ્રેસે જયંતિ જયરાજને ટિકિટ આપી હતી. ૨૦૧૭માં કોંગ્રેસ તરફથી બ્રિજેશ મેરજાએ ચૂંટણી લડી હતી અને ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાને હરાવ્યા હતા. ત્યારબાદ ૨૦૨૦માં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપતા પેટાચૂંટણી યોજાઇ હતી.
હવે મેરજા આ બેઠક પરથી મંત્રી છે પણ ભાજપમાં તેમના સામે દાવેદારી બતાવે છે કે તેમની સામે પણ સીટ પર વિરોધનો માહોલ છે. બ્રિજેશ મેરજા વર્ષ ૧૯૮૫થી લઈને વર્ષ ૨૦૦૭ સુધી ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીથી લઈને નરેન્દ્ર મોદી સુધીના મંત્રીમંડળમાં કામ કર્યું છે. તેઓ મંત્રીમંડળમાં જુદા જુદા પ્રધાનોના સચિવ તરીકે સચિવાલયમાં જાહેર વહીવટનો બહોળો અનુભવ ધરાવે છે.