PM મોદી 1 નવેમ્બરે મોરબીની મુલાકાત લેશે, પૂલ ધરાશાયી થતાં અનેક કાર્યક્રમો રદ્દ
ગુજરાતમાં આજે શોકનો માહોલ છે, ફરી એકવાર મચ્છુમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને સમગ્ર પરિવારના ડૂબી જવાથી અનેક ગામડાઓમાં આક્રંદ સંભળાય છે, ત્યારે પીએમ મોદી પણ ગુજરાતના પ્રવાસે છે. આવતીકાલે વડાપ્રધાન પોતે મોરબી પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરશે અને અસરગ્રસ્તોને મળશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે હું એકતા નગરમાં છું પરંતુ મોરબીના પીડિતો સાથે મારું હૃદય જોડાયેલું છે. એક બાજુ દુઃખથી ભરેલું હૃદય છે અને બીજી બાજુ કર્મ અને કર્તવ્યનો માર્ગ છે, હું તમારી સાથે છું પણ કરુણાથી ભરેલું હૃદય શોકગ્રસ્ત પરિવારોની સાથે છે. પીએમ મોદીએ કહ્યું કે આજે ભલે હું તમારી વચ્ચે છું, પરંતુ મારું હૃદય કરુણાથી ભરેલું છે અને મોરબીના પીડિતોની સાથે છે. મુખ્યમંત્રી ગઈકાલથી મોરબીથી સતત કામ કરી રહ્યા છે અને કેન્દ્ર સરકાર પણ શક્ય તેટલી મદદ કરી રહી છે.
આ ઘટનાના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં યોજાનાર પેજ કમિટીનો સ્નેહમિલન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. 1 નવેમ્બર 2022 ના રોજ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પેજ સમિતિના સભ્યો દ્વારા “પેજ સમિતિ મિત્રતા કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. તેમ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગે જણાવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદમાં મોદીના રોડ સો સહિતના અનેક કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.
તેમજ મોરબીમાં બ્રિજ તૂટવાની દુ:ખદ ઘટના સંદર્ભે કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતના પાંચ ઝોનમાં 31.10.22 થી શરૂ થનારી ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ એક દિવસ માટે મોકૂફ રાખી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતજી, પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહજી, વરિષ્ઠ નેતા બી.કે.હરિપ્રસાદજી, રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાજી, રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાત સંગઠનના પ્રભારી ડો.રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, રાજેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી, કાર્યકારી પ્રમુખ લલિત કગથરા, ઋત્વિક મકવાણા મોરબી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને મળશે અને તેમના ઠેકાણા અંગે પૂછપરછ કરશે અને મૃતકોના પરિવારજનોને મળશે.