જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી હિતેષ કોયાએ જિલ્લા માહિતી કચેરી- હિંમતનગર ખાતે આવેલા મીડિયા સેન્ટરને રીબિન કાપી ખુલ્લુ મૂક્યું
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ના ઉપલક્ષમાં સાબરકાંઠા જિલ્લામાં ચાર વિધાનસભા મતદાર વિભાગોમાં યોજાનાર ચૂંટણી માટે જિલ્લા માહિતી કચેરી- હિંમતનગર ખાતે મીડીયા સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી હિતેષ કોયાના હસ્તે રીબીન કાપીને ઉદ્દઘાટન કર્યું હતુ. વિધાનસભા ચૂંટણી દરમિયાન જિલ્લાના મિડીયાના પ્રતિનિધિઓને રોજબરોજની ચૂંટણીલક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે ચૂંટણી પંચના નિર્દેશ અન્વયે મિડીયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે. જિલ્લાની ચાર વિધાનસભામાં સમાવિષ્ટ મત વિસ્તારની આંકડાકીય રૂપરેખા મિડીયા સેન્ટરમાં પ્રદર્શિત કરાઇ
ચૂંટણી દરમિયાન ચૂંટણીના શાંતિમય વાતાવરણમાં ફેક ન્યુઝ અફવાઓ મારફતે ખોટા પ્રચાર- પ્રસાર કયાંક થતા હોય છે. આ સંદર્ભમાં જિલ્લામાં ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખાસ આ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જિલ્લા માહિતી કચેરી હિંમતનગર ખાતે કાર્યરત આ સેન્ટરમાં ટેલિવિઝન ગોઠવવામાં આવ્યા છે. આ ટેલિવિઝનમાં સ્થાનિક, રાજ્ય લેવલ તેમજ રાષ્ટ્રીય લેવલની ન્યુઝ ચેનલમાં સાબરકાંઠા જિલ્લાને લગતી ચૂંટણીલક્ષી બાબતો પર ખાસ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. કયાંક ચૂંટણીના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરતા હોય તો તે અટકે અને આદર્શ આચારસંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર ચાંપતી નજર રાખી નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટેની કામગીરી આ સેન્ટર પર કરવામાં આવે છે. જેનો રીપોર્ટ એમ.સી.એમ.સી સમિતિમાં સમયાંતરે રજૂ કરવામાં આવે છે.
મિડીયા સેન્ટરમાં ટેલિવિઝન ઉપરાંત ન્યુઝ પેપર્સ અને સોશિયલ મિડીયા દ્વારા પણ સતત સમાચારો પર વોચ રાખવામાં આવી રહી છે. મિડીયા સેન્ટર અને એમ.સી.એમ.સી. સેન્ટર ચૂંટણીની પૂરી પ્રક્રિયા દરમિયાન સતત કાર્યરત રહેશે. પત્રકારોને પ્રેસ બ્રીફીંગ નિયમિત અને સમયસર મળી રહે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીલક્ષી વિગતો, મતદારોની યાદી, વિધાનસભા બેઠકો, નોડલ ઓફિસરશ્રીની વિગતો, ગત વિધાનસભાના વિજેતા ઉમેદવારો સહિત સામાન્ય ચૂંટણીને લગતી તમામ બાબતોનું પેનલ નિદર્શન કરવામાં આવ્યું છે. જેના દ્વારા પત્રકારોને ચૂંટણી લક્ષી વિવિધ માહિતી મળી રહેશે.
આ સેન્ટરના ઉદ્દઘાટન પ્રસંગે પધારેલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીએ માહિતી કચેરીની કામગીરીને બિરદાવી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું અને મિડીયાના મિત્રો સાથે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછાર, નાયબ ચૂંટણી અધિકારી સુશ્રી દિપ્તિ પ્રજાપતિ, ચૂંટણી મામલતદારશ્રી કચોટ, સિનિયર સબ એડિટરશ્રી હરીષ પરમાર મોટી સંખ્યામાં પત્રકારો મિત્રો સહિત જિલ્લા માહિતી કચેરીનો અને ચૂંટણી શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.