રાષ્ટ્રીય

૧૫ ડિસેમ્બર : સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ, જાણો વધુ

સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના અગ્રણી રાજકીય તથા સામાજિક નેતા. એક એવા લોખંડી પુરુષ કે જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને સ્વતંત્ર ભારતના રજવાડાઓના એકીકરણનું નેતૃત્વ કર્યું. વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ ઈ.સ. ૧૮૭૫માં ૩૧ ઓક્ટોબરના રોજ થયો હતો તેમજ તેમનું અવસાન ઈ.સ. ૧૯૫૦માં ૧૫ ડિસેમ્બરના રોજ થયું હતું.
ઈ.સ. ૧૯૫૦ના સમયગાળામાં સરદાર પટેલની તબિયત લથડતી ગઈ. ત્યારે તેમના પુત્રી મણિબેને તેમની મંત્રણાઓ તેમજ કામ કરવાના કલાકોમાં ઘટાડો કરાવ્યો હતો. ૨૧ નવેમ્બર, ૧૯૫૦ના રોજ મણિબેને સરદાર પટેલની પથારી પર લોહીના ધાબાં જોયા. તેમણે તરત જ સરદારના સ્વાસ્થ્યની સાર-સંભાળ રાખવા માટે ૨૪ કલાક માટે નર્સની વ્યવસ્થા કરી હતી. તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદ ૬ નવેમ્બરે સરદારને મળવા આવ્યા હતા પણ સરદાર એટલા બીમાર હતા કે તેમના મોંમાંથી એક પણ શબ્દ નીકળી ન શક્યો.
સરદાર પટેલને ૧૨ ડિસેમ્બર, ૧૯૫૦ના રોજ વૅલિંગ્ટન ઍરસ્ટ્રિપ ખાતે લઈ જવામાં આવ્યા હતા. વૅલિંગ્ટન ઍરસ્ટ્રિપ પર ભારતીય હવાઈદળનું વિમાન તેમને મુંબઈ લઈ જવા તૈયાર હતું. સાડા ચાર કલાકની ઉડાન બાદ સરદાર પટેલનું વિમાન મુંબઈના જુહૂ ઍરપોર્ટ પર ઊતર્યું હતું. મુંબઈ આવ્યા બાદ તેમનું સ્વાસ્થ વધારે કથળતું જતું હતું. ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦ના મળસ્કે ત્રણ વાગ્યે સરદારને હૃદય રોગનો હુમલો આવ્યો અને તેઓ બેભાન થઈ ગયા. ચાર કલાક બાદ તેઓ થોડા ભાનમાં આવ્યા ત્યારે તેમણે પાણી માગ્યું. મણિબેને તેમને મધ મેળવેલું ગંગાજળ ચમચીથી પીવડાવ્યું. ત્યારબાદ સરદાર પટેલે અંતિમ શ્વાસ લીધા હતા.
સરદાર પટેલના દેહાંત બાદ ડૉ. રાજેન્દ્રપ્રસાદે કહ્યું હતું કે “સરદારના શરીરને અગ્નિ બાળી તો રહ્યો છે, પણ તેમની પ્રસિદ્ધિને વિશ્વનો કોઈ અગ્નિ બાળી શકશે નહીં.” દેશની સ્વતંત્રતા ખાતર જીવનના અમૂલ્ય વર્ષો પ્રદાન કરનાર સરદાર પટેલ માત્ર ગુજરાતીઓ માટે નહીં, પરંતુ તમામ ભારતવાસીઓનું ગૌરવ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *