માણસા-વિહાર ૧૨ કિ.મી. હાઈવેનું ૧૮ કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે
માણસા,તા.૩૦
ગાંધીનગર જિલ્લાના માણસાથી વિહારને જોડતો માર્ગ ટુ-લેન હતો. જેની સામે વાહનોની સંખ્યામાં થઈ રહેલા સતત વધારાના લીધે ટ્રાફિકનું ભારણ વધી જતાં આ માર્ગને સત્વરે પહોળો કરવાની જરૂરિયાત ઉભી થઈ હતી. આ મામલે માણસાના ધારાસભ્ય અમિત ચૌધરી દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હોવાની સાથે સમય અંતરે જવાબદાર વિભાગો અને સરકારમાં રજુઆત કરવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા આ રોડને પહોળો કરવાના કામને મંજુરી આપી દેતાં આવનાર દિવસોમાં વાહન ચાલકોની મુશ્કેલીઓ ઓછી થશે. તંત્ર દ્વારા માણસા થી વિહાર સુધીના ૧ર કિ.મીના હાઈવેને ત્રણ મિટર પહોંળો કરવાના કામ માટે ૧૮ કરોડ રૂપિયા મંજુર કરવામાં આવતાં માણસા પંથકના ગ્રામજનો અને વાહન ચાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
આ અંગે મળતી માહિતી મુજબ માણસા શહેરથી વિહાર સુધીના ૧ર કિલો મિટરના માર્ગને ૧૮ કરોડના ખર્ચે ત્રણ મિટર પહોંળો કરવામાં આવશે. આ માર્ગ હાલની સ્થિતિમાં વાહનોની આવન જાવનની સંખ્યા વધુ હોવાના લીધે નાનો પડી રહ્યો છે. જેના લીધે વાહન ચાલકોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ટ્રાફિકના ભારણને ઓછું કરવા અગાઉ સ્થાનિક ધારાસભ્ય અમિત ચૌધરી દ્વારા કરવામાં આવેલ અનેક રજુઆતના અંગે આ માર્ગને પહોળો કરવાનું કામ આખરે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજુર કરવામાં આવ્યું છે. આગળની કાર્યવાહી માટે હવે અધિકારીઓ દ્વારા જરૂરી કાર્યવાહી પુરી કરી રોડના કામનો પ્રારંભ કરવામાં આવશે. માણસા-વિહાર રોડના કામને મંજુરી મળતાં આ વિસ્તારમાં આવેલા ચરાડા,વિહાર,વ્યાસપાલડી,રાઠોડ પાલડી સહિતના અનેક ગામોના વાહન ચાલકો માટે રાહતના સમાચાર હોવાથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ હાઈવે આગામી દિવસોમાં પહોળો થતાં સતત વધી રહેલા અકસ્માતો ઓછા થશે.