ગાંધીનગર

જિલ્લા વહીવટી તંત્ર બિનખેતીના કેસોના નિકાલ માટે હવે ઓપન હાઉસ યોજશે

ગાંધીનગર, શનિવાર

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફરી એકવાર બિનખેતીના કેસોના નિકાલ માટે ઓપન હાઉસ શરૂ કરવામાં આવશે. રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા તાજેતરમાં જ આ અંગેની સુચના આપવામાં આવી છે. આજરોજ જિલ્લા વહીવટી તંત્રના મહેસુલી અધિકારીઓની મળેલી મિટીંગમાં કલેક્ટર સતિષ પટેલ દ્વારા આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બિનખેતીના પ્રકરણ માટે થઈને અરજદારને ઘણીવાર પરસેવો છુટી જતો હોય છે. અરજદારને પોતાના એક-એક કેસ માટે છ-છ મહિના ઘણીવાર રાહ જોવી પડે છે. કચેરીમાં ફાઈલ ક્યાં અને કેટલે પહોંચી તેના માટે અરજદારને ટેબલે ટેબલે ફરવું પડતું હોય છે. પરંતુ હવે અરજદારને આ પરેશાનીમાંથી છુટકારો આપીને ઓપન હાઉસમાં જ બિનખેતી પ્રકરણનો નિકાલ કરવામાં આવે તેવી સુચના સરકારે પોતે જ આપી છે. સરકારની સુચના અનુસાર આગામી દિવસોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ બિનખેતીના પ્રકરણોનો નિકાલ આ રીતે ઓપન હાઉસમાં કરવામાં આવશે. આજે કલોલ ખાતે જિલ્લા વહીવટી તંત્રની મળેલી બેઠકમાં આ નિર્ણય કલેક્ટર સતિષ પટેલે જણાવ્યો હતો. ઓપનહાઉસમાં જ અરજદારને પણ હાજર રાખવામાં આવશે અને તમામ અધિકારીઓ પણ ત્યાં હાજર રહેવાથી અભિપ્રાય પણ એક જ સ્થળે મળી રહે. જેથી અરજદારને એ જ સમયે તેની જમીન બિનખેતી થઈ શકે છે કે નહિ તેનો હુકમ મળી શકે. અને જો બિનખેતીનો હુકમ મળી જાય તો તેને સ્થળ પર જ આ અંગેનો રૂપાંતરિત પ્રિમિયમ ભરવા માટે જણાવી દેવાનું રહેશે.

બિનખેતીને લઈને અનેક આક્ષેપો પણ થતા રહ્યા છે. સચિવાલય સુધી ફરિયાદો પણ થતી આવી છે. હવે રાજ્ય સરકારે જ બિનખેતી પ્રકરણ માટે ઓપન હાઉસ યોજવા માટે તમામ જિલ્લા કલેક્ટરોને સુચના આપી દીધી છે.

વરસાદ ખેંચાતા ઘાસચારા અને પીવાના પાણીની ચિંતા

દિલ્હી, મુંબઈ, યુપી, એમપી તમામ જગ્યાએ અતિ વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં હજુ મેઘમહેર થઈ નથી. ગાંધીનગરમાં હજુસુધી માત્ર ૨૬ ટકા જેટલો જ સરેરાશ વરસાદ થયો છે. જેને લઈને જિલ્લા કલેક્ટરે ચિંતા વ્યક્ત કરી છે. આજની આરઓની બેઠકમાં તેમણે ઉપસ્થિત તમામ અધિકારીઓને પીવાનાપાણી અને ઘાસચારાની સ્થિતિ અંગે સમીક્ષા કરવા માટે સુચના આપી હતી. આ બંને બાબતે આયોજનપુર્વક તૈયારી કરવા માટે જણાવ્યું હતું.

જમીનના પ્રમોલગેશનની કામગીરી ઝડપથી પુરી કરવા તાકીદ

સમગ્ર જિલ્લામાં જમીનનો રિ-સર્વે પુરો થયો પરંતુ પ્રમોલગેશનની કામગીરી ધીમી છે. ગતિશીલ ગુજરાતના લક્ષ્યાંક મુજબ જિલ્લામાં પ્રમોલગેશનની કામગીરી આગામી સપ્ટેમ્બર સુધીમાં પુરી કરવાની છે. તાજેતમાં જિલ્લાના જે ૨૦૦ ગામો છે તેમાંથી ૧૬૨ ગામોનું પ્રમોલગેશન કામ પુરું થયું છે. જમીનના રિ-સર્વેમાં હવે વાંધાઓ ખુબ આવી રહ્યા છે. ખાતેદારો પોતાની કુલ જમીનમાં ઘટાડો થયો હોવા સહિતના વાંધા ઉઠાવી રહ્યા છે. આ કિસ્સામાં જે કંઈ વાંધા હોય તેનો નિકાલ ઝડપથી કરવા માટે કલેક્ટરે આજરોજ સમીક્ષા બેઠકમાં જણાવ્યું છે. કલોલ અને ગાંધીનગર તાલુકામાં ટીપી તૈયાર થઈ ગયેલા ગામોના રેકર્ડને લઈ પ્રમોલગેશનમાં વિસંગતતા આવી રહી છે. તેના કારણે આખરી પ્રમોલગેશન કરવામાં વિલંબ થઈ રહ્યો છે. જોકે આ તમામ પ્રશ્નોનો ઉકેલ લાવીને પણ પ્રમોલગેશનનું કામ પુરું કરવા માટે તાકીદ કરાઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x