દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, અમદાવાદ-મુંબઇ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જો કે કેટલાક દિવસથી ઉપરવાસમાં વરસાદની ધીમી ગતિ બાદ સોમવારની રાત્રિથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સાંબેલાધાર વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. રેલવે લાઇન ધોવાઈ જતાં અપડાઉનની કેટલીય ટ્રેનોનો સમય ખોરવાઈ ગયો છે. દ.ગુજરાતમાં ભારે વરસાદના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. ભારે વરસાદના પગલે મુંબઇ જતી ટ્રેનો અટકાવાઈ છે. ત્યારે બીજીબાજુ દિલ્હી થી મુંબઈ વચ્ચે ટ્રાયલ લેવાતી ટેલ્ગો ટ્રેનની ગતિ પણ ધીમી કરી દેવાઈ છે. ધરમપુર અને કપરાડા તાલુકામાં મૂશળધાર વરસાદ પડતાની સાથે વાપી, ઉમરગામ અને પારડી તાલુકામાં પણ ધોધમાર વરસાદનાં પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. વાપીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.