ગુજરાતના નવા ડીજીપી અને નવા ચીફ સેક્રેટરી જેવા મલાઈદાર સ્થાન પર બેસવા માટે રાજકારણ શરૂ
ગુજરાતના સચિવાલયમાં હાલમાં સૌથી વધારે ચર્ચા હોય ચીફ સેર્ક્ટેરી અને ગુજરાતના ડીજીપીની છે. હાલમાં આઇએએસ અને આઇપીએસમાં જાણે ચૂંટણી હોય અને ટિકિટ માટે દોડાદોડી હોય તેમ ગાંધીનગર અને દિલ્હી સુધી છેડા અડાડી આ બંને પદો માટે ખેંચતાણ ચાલી રહી છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારે ૬ આઇપીએસના નામ મોદી સરકારને મોકલી દીધા છે. ગુજરાતના ચીફ સેક્રેટરીનો સમય પણ પૂર્ણ થઈ રહ્યો છે. હાલમાં એવી પણ ચર્ચા છે કે, ગુજરાત કેડરના ૧૯૮૯ની બેચના આઇએએસ અધિકારી કે શ્રીનિવાસ ગુજરાત પાછા આવી રહ્યાં છે. શ્રીનીવાસને ગુજરાતમાં લાંબા સમય સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે કામ કર્યું છે. તેઓ ૨૦૧૭થી સેન્ટ્રલ ડેપ્યુટેશન પર નવી દિલ્હીમાં ફરજ નિભાવી રહ્યાં છે. હવે તેમનો પાછા આવવાનો સમય થઇ ચૂક્યો છે.
રાજ્યની બ્યૂરોક્રસીમાં બીજા નંબરે આવતા ૧૯૮૬ બેચના એસીએસ વિપુલ મિત્રાએ તો પંચાયત, ગ્રામવિકાસ અને ગ્રામીણ આવાસ વિભાગ છોડવાની તૈયારી પણ કરી લીધી છે. એમના પંચાયત વિભાગમાં કાર્યકાળ દરમિયાન તાલુકા વિકાસ અધિકારીઓની ૧૦૦ ટકા ભરાયેલી તમામ જગ્યાઓ. ૩૩ જિલ્લા પંચાયતોમાં ચિટનીસ-કમ- ટીડીઓની બઢતીથી ભરાયેલી તમામ ૩૩ જગ્યાઓ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીમાં ટીડીઓ વર્ગ- ૨ની ભરાયેલી ૧૧ જગ્યાઓ ઉપરાંત વહીવટી સુધારણા માટે લેવાયેલા પગલાંઓ અંગે વિસ્તૃત પ્રેસનોટ પણ જારી કરી દેવાઈ છે, જે સૂચક માનવામાં આવે છે.