ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે હાઈકોર્ટમાં અરજી, સરકારે કહ્યું કે રાત્રે 10 વાગ્યા પછી ડીજેની મંજૂરી નથી
આજની સુનાવણીમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને રાજ્ય પોલીસ વડાને નોટિસ પાઠવી હતી. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. રાજ્યમાં પ્રચંડ ધ્વનિ પ્રદૂષણ અને ધ્વનિ નિયમન પર તાત્કાલિક નિયંત્રણ માટે PIL દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. અરજદાર દ્વારા દાખલ કરાયેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં ભૂતકાળમાં કોઈને કોઈ કારણસર ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ગંભીર રીતે વધી રહ્યું છે.
ધ્વનિ પ્રદુષણ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અરજદાર દ્વારા કરાયેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે સમગ્ર રાજ્યમાં એક યા બીજા કારણોસર ધ્વનિ પ્રદૂષણ અત્યંત ગંભીર અને જોખમી સ્તરે વધી રહ્યું છે. સરકારે આ મુદ્દે જવાબ દાખલ કરવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો છે. હાઈકોર્ટે સોમવારે સરકારને આ મુદ્દે સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.અરજદારે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા અવાજ પ્રદુષણ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ સાથે જાહેર સ્થળોએ પણ આ પ્રકારનું પ્રદૂષણ વધી રહ્યું છે.
રાજ્યમાં કોઈપણ પ્રકારના નીતિ નિયમન વિના તહેવારો અને ધાર્મિક રેલીઓ, લગ્નો, રાજકીય મેળાવડાઓમાં ડીજે ટ્રક અને અન્ય લાઉડસ્પીકર સિસ્ટમો રાજ્યભરમાં ધ્વનિ પ્રદૂષણને ખૂબ જ ગંભીર રીતે ફેલાવી રહ્યા છે. જેના કારણે સ્થાનિક નાગરિકો ભારે પરેશાન છે. ડીજે ટ્રક અને અન્ય મ્યુઝિક સીસ્ટમથી થતા ધ્વનિ પ્રદુષણને કારણે બાળકો, વૃદ્ધો, બીમાર લોકો કે અન્ય શોકગ્રસ્ત લોકોને વારંવાર તકલીફનો સામનો કરવો પડે છે.