શાહે CM બનવા ઇચ્છા વ્યક્ત કરી; 15 ઓગસ્ટ પહેલા રાજીનામું આપી બેનનો શાહને આંચકો આપવાનો પ્રયાસ
ગાંધીનગર : આનંદીબહેન પટેલે મુખ્યમંત્રી પદની જવાબદારીમાંથી મુક્તિ માંગી છે. આ વિનંતી કરતો પત્ર તેમણે સીધો જ ફેસબુક અને ટ્વિટર પર મૂક્યો. ફેસબુક પર રાજીનામું આપનારા તેઓ પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. સોશિયલ મીડિયા પર આનંદીબહેનનો આ પત્ર પ્રસિદ્ધ થયો ત્યારે તો સચિવાલયમાં બેઠેલા તેમના સાથી મંત્રીઓ અને પક્ષના પ્રમુખ સહિતના હોદ્દેદારોને જાણ થઈ. કોઈને પણ જાણ ન થાય તે રીતે પોતાનું રાજીનામું જાહેર કરવા પાછળ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની નવા મુખ્યમંત્રી પદની ઉમેદવારી નબળી કરવાનો પ્રયાસ હોવાનું જણાય છે. કારણ કે, નવી દિલ્હી ખાતે અમિત શાહે એક બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. અલબત્ત, અત્યારે નવા મુખ્યમંત્રીના દાવેદારોમાં પ્રદેશ પ્રમુખ અને પાણી પુરવઠા મંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રમાં રાજ્યકક્ષાના પ્રધાન અને રાજ્યસભામાં સભ્ય પુરૂષોત્તમ રૂપાલાનું નામ લેવાય છે. એવી સંભાવના છે કે 5 ઓગસ્ટ સુધીમાં નવા મુખ્યમંત્રી શપથ લઈ લેશે.
બેનનો અમિત શાહને આંચકો આપવાનો પ્રયાસ
સૂત્રોના જણાવ્યા મુજબ, આનંદીબહેન 15મી ઓગસ્ટ સુધીમાં રાજીનામું આપી દે તે નક્કી હતું. પરંતુ તેમણે એ પહેલાં જ રાજીનામું ધરી દઈને સૌને ચોંકાવી દીધા. ખુદ મોદી અને અમિત શાહને પણ બતાવ્યા વિના સોશિયલ મીડિયા પર પોતાનું રાજીનામું જાહેર કરી તેમણે અમિત શાહના પ્રયાસોને આંચકો આપવાનો પ્રયાસ કર્યો છે. બહેનના આ પગલાંના કારણે પંજાબના રાજ્યપાલપદ માટે તેમના માટે અગાઉથી નક્કી થયેલી યોજના જોખમમાં મૂકાઈ શકે છે.
અમિત શાહ પોતે મુખ્યમંત્રી બનવા માંગે છે, તેનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે, આનંદીબહેનના રાજીનામા બાદ તેઓ વાયબ્રન્ટ ગુજરાતની વાત આગળ ધરીને સીએમ પદનો નિર્ણય લેનારાઓને વારંવાર ડરાવી રહ્યા છે. સૂત્રોના કહેવા મુજબ, રાજીનામાની જાહેરાતની તરત જ પછી યોજાયેલી એક બેઠકમાં અમિત શાહે સીએમ બનવાની ઈચ્છા વ્યક્ત કરેલી. આ બેઠકમાં રામલાલ, ઓમ માથુર અને ખુદ અમિત શાહ હાજર હતા.
આનંદીબેનનો વિનંતી પત્ર મળ્યો: શાહ
નવી દિલ્હીમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે આનંદીબહેનનો વિનંતી પત્ર મળ્યો હોવાનું જણાવી કહ્યું હતું કે, પક્ષની સંસદીય બોર્ડની બેઠક યોજવામાં આવશે અને તેમાં તેમની વિનંતી અંગે નિર્ણય લેવાશે. આ બેઠક મંગળવારે સવારે નવીદિલ્હીમા મળશે. પાટીદાર અનામત આંદોલન, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેની પાર્ટીને અસરો, અનાર પટેલના બિઝનેસ પાર્ટનરને ગીરમાં સસ્તાભાવે જમીનો આપવાના આક્ષેપોના કારણે આનંદીબહેન પર રાજકીય ભીંસ ખાસ્સી વધી હતી.
-કેમ અમિત શાહ?
– જે પી નડ્ડા નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે
– પાટીદાર, દલિત આંદોલન તથા વિવિધ નિષ્ફળતાઓના કારણે હવેના એક વર્ષમાં કોઈ ડમી મુખ્યમંત્રી ભાજપ માટે સાનુકૂળ વાતાવરણ સર્જી શકે તેમ નથી.
– ઉત્તર પ્રદેશમાં ભાજપને સફળતા મળવી ખુબ મુશ્કેલ જણાય છે, એટલે ત્યાં અમિત શાહ હારની બાજી રમવા નથી માંગતા.
– જે પી નડ્ડાને તેમના સ્થાને પક્ષના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાય તેવી શક્યતા છે.