5 ઓગસ્ટ સુધીમાં નવા મુખ્યમંત્રી શપથ લઈ લેશે : આજે ભાજપ કરશે ચર્ચા
અમદાવાદ: ‘બેન જાય છે’ની અફવાઓનો આખરે અંત આવ્યો. રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ફેસબુક પર પોસ્ટ કરી પોતાને જવાબદારીમાંથી મુક્ત કરવા અંગે અપીલ કરી છે. તો રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીનું નામ ચર્ચામાં છે. આનંદીબેન પટેલની જગ્યાએ નીતિન પટેલ નહીં, પણ રૂપાણીને નવા મુખ્યમંત્રી બનાવાય તેવું ભાજપના અંગત સૂત્રો સૂચવી રહ્યાં છે. છેલ્લા 2 મહિનાથી હાઇકમાન્ડના નિર્દેશથી આનંદીબેનના બદલે ‘સુપર સીએમ’ રૂપાણી જ તમામ નિર્ણયો લઈ રહ્યાં હતા.એવી સંભાવના છે કે 5 ઓગસ્ટ સુધીમાં નવા મુખ્યમંત્રી શપથ લઈ લેશે. આજે ભાજપની સંસદીય દળની મીટિંગ છે. આજે જો વિજય રૂપાણીનું નામ જાહેર કરાય તો તેમને મળેલી સૌથી મોટી બર્થડે ગિફ્ટ હશે.
રૂપાણીએ શું કહ્યું?
આનંદીબેન પટેલના રાજીનામા બાદ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, આનંદીબેન પટેલ પર કોઇ જાતનું દબાણ કરવામાં આવ્યું નહોતું. નવી પેઢીને ચાન્સ મળે તે માટે તેમણે હાઇકમાન્ડને જવાબદારી મુક્ત કરવાની ભલામણ કરી હતી. આગામી દિવસોમાં નેતૃત્વ પરિવર્તન થશે.
આનંદીબહેન તો ‘ગુજરાતની માતા’ છે: રૂપાણી
આનંદીબહેનને મુખ્યમંત્રી પદ છોડવાની આખરે ફરજ પાડવામાં આવી હતી કે કેમ, તેવો સવાલ પુછતાં પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ તેનો સદંતર ઈનકાર કરતાં કહ્યું હતું કે, જે પ્રકારે બહેને વિકાસ અને લોકો માટે નિર્ણયો લીધા છે તે જોતાં તો તેઓ ગુજરાતની માતા ગણાય. અલબત્ત, 48 કલાકમાં તેમણે અસાધારણ ઝડપે અને સંબંધિત મંત્રીઓને જાણ કર્યા વિના જ મહત્વના નિર્ણયો કર્યા તે જોતાં તેમને પોતાની વિદાયની ખબર પડી ગઈ હોવી જોઈએ.
છેલ્લા બે મહિનાથી બેન પાસેથી ચાર્જ લઇ રૂપાણીને સોંપાયું હતું
આનંદીબેન પટેલની ફેસબુક પોસ્ટને લીધે રાજકીય ભૂકંપ આવ્યો છે. ત્યારે સરકારના સૂત્રો જણાવી રહ્યાં છે કે છેલ્લા બે મહિનાથી રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પાસેથી તમામ પ્રકારના પાવર પાછા લઇ લેવામાં આવ્યા હતા. વિજય રૂપાણી જ બે મહિનાથી સરકાર ચલાવતાં હતાં. હાઇકમાન્ડના નિર્દેશથી રૂપાણીને તમામ પાવર આપવામાં આવ્યા હતા. તેથી જ દલિત અત્યાચાર મામલે પણ રૂપાણીની સક્રિયતા સામે આવી હતી.
અમિત શાહ ફેક્ટર પણ મુખ્ય
પાર્ટી અને સંગઠનમાં વિજય રૂપાણી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ખાસ હોવાનું મનાય છે. અમિત શાહના કહેવાથી જ તેમને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવાયા હતાં. ત્યારે આનંદીબેન પટેલની સીએમની ખુરશીના પ્રબળ દાવદાર તરીકે વિજય રૂપાણી જ હોવાનું પાર્ટી અને સંગઠન માની રહી છે.