સાબરકાંઠામાં ૧૩ જિલ્લાના શિક્ષકોને માસ્ટર ટ્રેનર તરીકે તાલીમ અપાઇ
સાબરકાંઠા હિંમતનગરમાં સ્ટાસ સીટી હોલ ખાતે ગુજરાતના ૧૩ જિલ્લાના શિક્ષકોને માસ્ટર ટ્ર્નર તરીકે આરોગ્ય લક્ષી તાલીમ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. “આરોગ્ય અને સુખાકારી એમ્બેસેડર” તરીકે નિયુક્ત દરેક શાળામાં બે શિક્ષકો, એક પુરુષ અને એક સ્ત્રી, દરેક અઠવાડિયે એક કલાક માટે રસપ્રદ પ્રવૃત્તિઓના સ્વરૂપમાં આરોગ્ય પ્રમોશન અને રોગ નિવારણ માહિતી ની લેવડદેવડ કરવા માટે તાલીમ આપવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, આરકેએસકે પ્રોગ્રામ હેઠળ આયુષ્માન ભારત અંતર્ગત શાળા આરોગ્ય અને સુખાકારી કાર્યક્રમ ભારત સરકારે ૨૦૧૪ માં કિશોરોના સ્વાસ્થ્ય અને વિકાસની જરૂરિયાતોને સર્વગ્રાહી રીતે પ્રતિસાદ આપવા માટે ‘રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (RKSK) નામનો વ્યાપક કાર્યક્રમ શરૂ કર્યો હતો. જેનો મુખ્ય ધ્યેય આરોગ્ય શિક્ષણ, રોગ નિવારણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા નિવારક અને પ્રમોટિવ પાસાઓને મજબૂત કરવા અને શાળા કક્ષાએ સંકલિત, પ્રણાલીગત રીતે આરોગ્ય સેવાઓમાં સુધારો કરવાનો હતો.
વધુમાં તેમણે જણાવ્યું કે, ગામે ગામ આરોગ્ય સેવાઓમાં સુધારો થયો છે. ૧૦૮ દ્રારા આરોગ્યની શ્રેષ્ઠ સેવાઓ અપાય છે. શિક્ષકો બાળકોના રોલ મોડલ હોય છે. આ શિક્ષકો કિશોરોને યોગ્ય દિશા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ચીવટવાળા કામો હંમેશા શિક્ષકોને અપાય છે જેમકે ચૂંટણી લક્ષી કામગીરી હોય કે વસ્તી ગણતરી હોય શિક્ષકોએ હર હંમેશા શ્રેષ્ઠ કામગીરી કરી છે.
વધુમાં ઉમેર્યુ કે, સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતા એક સિક્કાની બે બાજુ જેવી છે. સ્વસ્થ તન તો સ્વસ્થ મન માટે શિક્ષકો દ્વારા આ તાલીમ લઇ દરેક કિશોરો સુધી સ્વાસ્થ્યનો સંદેશ પહોંચે અને ગુજરાતનું અને ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે સહિયારો પ્રયાસ કરીએ.
આ પ્રસંગે યુનિસેફ ગુજરાત ડો. નારાયણે જણાવ્યુ કે, સાબરકાંઠા જિલ્લો ભારતનો બીજો જિલ્લો છે જ્યાં આ તાલીમ યોજાઇ હોય તેથી આ વાત ખુબ જ ગૌરવ લેવા જેવી છે. બાળકો અને કિશોરો માં શારીરિક-માનસિક વિકાસની સાથે સંસ્કારોના સિંચનનું પણ એટલુ જ મહત્વ છે. આ બાળકો ગુજરાતનુ અને ભારતનું ભવિષ્ય છે. તેમને શાળામાં જ દરેક પ્રકારના શિક્ષણ જેવા કે, ટ્રાફિક નિયમોનું શિક્ષણ, જાતીય શિક્ષણ, મોરાલીટીનું શિક્ષણ મળે તે ખૂબ અગત્યનું છે.