ગાંધીનગરગુજરાત

ગાંધીનગરના ખોરજ ખાતેથી તા. ૧૭મી ફેબ્રુઆરીના રોજ રાજયના મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજયવ્યાપી સુજલામ- સુફલામ જળ અભિયાન- ૨૦૨૩ના આરંભ થશે

સમગ્ર ગુજરાત સહિત ગાંધીનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન- ૨૦૨૩ના આરંભ તા.૧૭મી ફેબ્રુઆરી, ૨૦૨૩થી થનાર છે. આ અભિયાનનો રાજય વ્યાપી આરંભ રાજયના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ગાંધીનગરના ખોરજ ગામ ખાતેથી કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં આ અભિયાન અંતર્ગત ૭૫૩ કામો કરવામાં આવ્યા છે. જિલ્લાની જળ સંગ્રહશક્તિમાં ૮૩૮ લાખ ઘનફૂટ જેટલો વઘારો કરવામાં આવ્યો છે. આજરોજ જળ અભિયાન- ૨૦૨૩ના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેકટર શ્રી પ્રવિણા ડી.કે.ના અઘ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓની બેઠક મળી હતી.
ગુજરાત રાજયમાં અનિયમિત અને અસમાન વરસાદને લીઘે તથા ઘણા વિસ્તારોમાં અપુરતો વરસાદ પડતા હોવાથી ભુગર્ભજળનો અમર્યાદામાં ઉપાડ કરવાથી ભુગર્ભજળ સપાટી ઉત્તરોત્તર નીચે જાય છે. ઉપાડ કરવામાં આવતાં પાણીની ગુણવત્તા હલકા પ્રકારની, ક્ષારયુક્ત અને ફલોરાઇડયુક્ત હોવાથી પીવા માટે અને ખેતી માટે નુકશાનકારક હોય છે.આ ગંભીર સમસ્યાના નિવારણ માટે, ભુગર્ભજળની સપાટી ઉંચી લાવવા, વરસાદી સપાટી જળનો મહત્મ સંગ્રહ કરવાના ઉમદા આશયથી રાજય સરકાર દ્વારા રાજયના સ્થાપના દિન તા. ૦૧ લી, મે, ૨૦૧૮ થી સુજલામૂ સુફલામ જળ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો.
સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જળસંગ્રહનાં કામો જેવા કે તળાવ ઉંડા કરવા, તળાવોના આવરા સાફ કરવા, તળાવના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ તથા રીપેરીંગ, હયાત જળાશયોનું ડીસીલ્ટીંગ, નદીઓને પુન: જીવિત કરવા જેવા પરંપરાગત જળ સ્ત્રોત્રના નવીનીકરણના કામો તથા નવા તળાવો- ચેકડેમો, હયાત નહેરોની સાફ- સફાઇ, મરામત અને જાળવણી, નદી, વોંકળા, કાંસ, ગટરની સાફ- સફાઇ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, પીવાના પાણીના સ્ત્રોત્ર, ટાંકી, સંપ, ઇન્ટેક સ્ટ્રક્ચર, ડબલ્યુ.ટી.પી./એસ.ટી.પી.ની તથા આસપાસન સફાઇ, ખેત તલાવડી, ગીબીયન, પીવાના પાણીનો બગાડ રોકવા માટે જન જાગૃત્તિ વગેરે કામો હાથ ઘરવામાં આવે છે.
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં આ અભિયાન અંતર્ગત ૭૫૩ કામો કરવામાં આવ્યા છે. જેમાં તળાવ તથા ચેકડેમ ઉંડા કરવાના કુલ- ૪૨૯ કામો, ખેત તલાવડી અને વન તલાવડીના – ૬૩ કામો, તેમજ અન્ય જળ સંચયના કામો જેવા કે વરસાદી પાણીની લાઇનની સાફસફાઇ, રેઇન વોટર હાર્વેસ્ટિંગની કામગીરી, કાંસ સાફસફાઇ, નદીઓનું શુઘ્ઘિકરણ વગેરેના ૨૬૧ કામો કરવામાં આવ્યા હતા. જિલ્લામાં જળ સંગ્રહશક્તિમાં કુલ- ૮૩૮ લાખ ઘન ફૂટ જેટલો વઘારો કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ- ૨૦૨૨માં આ અભિયાન અંતર્ગત તળાવ તથા ચેકડેમ ઉંડા કરવાના ૪૦ કામો, કાંસ અને નહેરો વગેરેની સાફસફાઇના ૯ કામો, માટીપાળાના ૧૦ કામો, અન્ય જળ સંચયના ૯૫ કામો કરવામાં આવ્યા હતા. જેનાથી જિલ્લામાં જળ સંગ્રહ શક્તિમાં કુલ- ૨૨૦.૬૫ લાખ ઘન ફૂટ જેટલો વઘારો કરવામાં આવ્યો હતો.
———————————

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x