દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ:વલસાડ-ડાંગમાં આભ ફાટ્યું,7ના મોત
દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાક દરમિયાન આભ ફાંટતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી છે. જેમાં અત્યાર સુધીમાં વલસાડમાં ત્રણ, ઘરમપુર અને નવસારી જિલ્લામાં એક-એક મૃતદેહો તણાઈને બહાર આવ્યા છે. વ્યારાના પદમડુંગરીમાં એક વ્યક્તિ તણાઇ ગઇ છે. જ્યારે વાપીના બલીઠામાં એક વ્યક્તિનું મોત વીજપોલના કરંટથી થયું છે. આમ કુલ સાત લોકોના મોત થયા છે. વલસાડમાં ત્રણ કલાક દરમિયાન ૧૩ ઈંચ જેટલો ભારેથી અતિભારે વરસાદને કારણે ઔરંગા નદીમાં અત્યાર સુધીનું સૌથી વિનાશક પૂર આવ્યું છે. વર્ષ ૧૯૬૮ કરતા પણ વધારે જોખમી પૂરને કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે હનુમાન ભાગડા, ભદેલીજગાલાલા અને લીલાપોર ગામમાં તો વીસ ફૂટ સુધી પાણી ભરાઈ જતાં લોકોએ જીવ બચાવા માટે ઝાડ ઉપર ચડી જવાની નોબત સર્જાઈ હતી. આ ઉપરાંત નવસારી, વલસાડ સિટી, સાપુતારા, વાપી, પારડી અને સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદને કારણે બદથી બદતર સ્થિતિ સર્જાવા પામી છે.