ગાંધીનગર મહાનગરપાલિકા ઝોન કક્ષાની યોગ સ્પર્ઘા તા. ૨૭મી ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે યોજાશે
યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા” ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની 68મી સામાન્ય સભા સમક્ષ 21મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંધ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ 21 મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.
જેના ભાગરૂપે ગુજરાત સરકારશ્રી દ્વારા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના તા. 21/06/2019 ના ઠરાવથી ‘’ ગુજરાત રાજય યોગ બોર્ડ ’’ ની રચના કરવામાં આવેલ છે. યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર પ્રસાર અર્થે તેમજ યોગ અંગે જાગૃતિ લાવવા માટે યોગ શિબિરો, યોગ સંવાદ, યોગ જાગરણ રેલી તેમજ અલગ અલગ યોગના કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં પ્રથમ વખત યોગ સ્પર્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેનો હેતુ વધુમાં વધુ લોકો સુધી યોગ પહોંચે અને લોકોમાં યોગ અંગે જાગૃતિ આવે અને બહોળા પ્રમાણમાં યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પ્રોત્સાહન મળે તે માટેનું છે.
મહાનગરપાલિકા કક્ષાએ યોજાયેલ યોગ સ્પર્ધામાં પસંદગી પામેલ દરેક મહાનગરપાલિકામાંથી કુલઃ 06 વિજેતા થયેલ 03 ભાઇઓ અને 03 બહેનો રાજ્યકક્ષાએ ભાગ લઇ શકશે. કુલ 08 મહાનગરપાલિકામાંથી પસંદગી પામેલ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વચ્ચે રાજ્યકક્ષાની સ્પર્ધા થશે. એટલે દરેક મહાનગરપાલિકા દીઠ 06 લોકોની (03 ભાઇઓ અને 03 બહેનો) કુલઃ 48 સ્પર્ધક વચ્ચે રાજ્યકક્ષાની હરીફાઇ થશે અને 48 પૈકી કુલઃ 06 સ્પર્ધકો જેમાં 03 ભાઇઓ અને 03 બહેનોની અંતિમ પસંદગી રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધાના વિજેતા તરીકે થશે.