ગુજરાત

‘કલમ, કાગળ અને કેલીડોસ્કોપ’ અનોખા કાર્યક્રમમાં શબ્દસૃષ્ટિ મોહમ્મદ માંકડ વિશેષાંકનું વિમોચન થયું.!

ગુજરાત સાહિત્ય અકાદમી અને ગાંધીનગર સાહિત્યસભાના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ સાહિત્યકાર સ્વ. શ્રી મોહમ્મદ માંકડની જન્મ જયંતિ નિમિત્તે ‘કલમ, કાગળ અને કેલિડોસ્કોપ’ દ્વારા અકાદમીના પ્રથમ પ્રમુખને સ્મરણાંજલિ આપવામાં આવી હતી. ગાંધીનગર આઈઆઈટીઈ સભાગૃહ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા, મહામાત્ર શ્રી ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, વરિષ્ઠ સાહિત્યકાર શ્રી ડૉ. કેશુભાઈ દેસાઈ, જાણીતા સર્જક શ્રી રાઘવજી માધડ અને ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ શ્રી સંજય થોરાતના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન ડૉ. જયેન્દ્રસિંહ જાદવે કરી મોહમ્મદ માંકડની ગુજરાત સાહિત્ય અકાદમીના સ્થાપક પ્રમુખ તરીકેની સિદ્ધિ વર્ણવી હતી. આ કાર્યક્રમમાં હાજર મહેમાનોને ખાસ મોહમ્મદ માંકડના વાર્તા સંગ્રહ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોહમ્મદ માંકડની વાર્તા ‘તપ’નું વાચિકમ અદિતિ દેસાઈ જ્યારે ‘ડાઇનિંગ ટેબલ’નું વાચિકમ કમલ જોષી દ્વારા ખૂબ ભાવસભર રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું પ્રાસંગિક ઉદ્બોધન ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ સંજય થોરાતે કર્યું હતું અને એમણે મોહમ્મદ માંકડને આ શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ છે એમ જણાવ્યું હતું.
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ખાસ મોહમ્મદ માંકડ શબ્દસૃષ્ટિ વિશેષાંક તૈયાર કરવામાં આવ્યો હતો જેનું વિમોચન ઉપસ્થિત મહાનુભાવોની સાથે મોહમ્મદ માંકડના પરિવારજનો અનીસ માંકડ, ડૉ. અસ્મા માંકડ, મુનાફ માંકડ અને મુનીરભાઈ માંકડની સાથે મળીને કરવામાં આવ્યું હતું. મોહમ્મદ માંકડના વાર્તા વિશ્વ વિશે રાઘવજી માધડ જ્યારે એમની નવલકથા વિશે ડૉ. કેશુભાઈ દેસાઈ દ્વારા મનનીય પ્રવચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ મોહમ્મદ માંકડનું ગુજરાત સાહિત્ય અકાદમી માટેનું યોગદાન યાદ કર્યું હતું અને આવનારા સમયમાં એમની સળંગ વ્યાખ્યાનમાળા આયોજિત કરવાની જાહેરાત કરી હતી.
કાર્યક્રમનું સંચાલન કવિ શ્રી હરદ્વાર ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભારવિધિ મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ દ્વારા કરવામાં આવી હતી. ખીચોખીચ ભરેલા હોલમાં હાજર સૌને શબ્દસૃષ્ટિ મોહમ્મદ માંકડ વિશેષાંક ભેટમાં આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા અજયસિંહ પરમાર, યજ્ઞેશ પ્રજાપતિ અને દેવેન્દ્રસિંહ રાજપુતે અનન્ય સહયોગ આપ્યો હતો. ગુજરાત સાહિત્ય અકાદમીના કલમ, કાગળ અને કેલીડોસ્કોપ કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *