વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિમાં કોંગ્રેસના એક સભ્યનો સમાવેશ,આપને સ્થાન નહીં
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ કોંગ્રેસને મળશે કે નહીં એ સરકાર નક્કી કરશે. પરંતુ આગામી ૨૨મી ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં કામકાજ સલાહકાર સમિતીની બેઠક મળશે. જેમાં કોંગ્રેસના એક નેતાને સ્થાન આપવામાં આવ્યું છે પણ આમ આદમી પાર્ટીના એક પણ ધારાસભ્યને સ્થાન આપવામાં આવ્યું નથી. આમ આદમી પાર્ટીના પ્રથમવાર ૫ ધારાસભ્યો વિધાનસભામાં ચૂંટાઇ આવ્યા છે પરંતુ પ્રોરેટા મુજબ પૂરતી સંખ્યા નહીં હોવાથી તેમના કોઇ સભ્યને સમિતિમાં સમાવ્યા નથી. બીજી તરફ કોંગ્રેસને માત્ર ૧૭ બેઠકો મળી હોવાથી એકમાત્ર કોંગ્રેસી નેતા અમિત ચાવડાને કામકાજ સલાહકાર સમિતિમાં સ્થાન મળ્યું છે.
૨૨મી ફેબ્રુઆરીએ મળનારી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં વિધાનસભામાં પસાર થનારા વિધેયકો અને કામકાજ અંગે ચર્ચાઓ કરાશે. ગુજરાત વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર ૨૩ ફેબ્રુઆરીથી ૨૯ માર્ચ સુધી યોજાશે. ૧૫મી વિધાનસભાનું પ્રથમ સત્ર હોવાથી નવેસરથી કામકાજ સલાહકાર સમિતિની રચના વિધાનસભા દ્વારા કરવામાં આવી છે, જેમાં કુલ ધારાસભ્યો પૈકી વિવિધ પક્ષના ધારાસભ્યોની સંખ્યાને ધ્યાને લઇને એટલે કે પ્રોરેટા મુજબ સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે.
અગાઉ કોંગ્રેસે સલાહકાર સમિતિમાં બે સભ્યોની માંગ કરી હતી. પરંતુ વિધાનસભાના અધ્યક્ષે પ્રોરેટાના આધારે એક સભ્યને સ્થાન આપ્યું છે. આ સમિતિમાં જે ૧૦ સભ્યો છે. તેમાં ભાજપના ૯ અને કોંગ્રેસના એક સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિધાનસભા સત્રમાં ૨૭ બેઠકો મળશે. સત્ર દરમિયાન સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજ માટેની ચર્ચા માટે પાંચ બેઠકો, જે અંતર્ગત સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા થશે. વિધાનસભા સત્ર દરમિયાન દિવસના પ્રથમ એક કલાક દરરોજ પ્રશ્નોત્તરી માટેનો રહેશે.