“જે.એસ.પટેલ મહિલા ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ”માં જીએસએ ચેમ્પિયન
તાજેતરમાં ગાંધીનગરના સાર્થક ફાઉન્ડેશન તથા હેપ્પી યુથ ક્લબ દ્વારા ગાંધીનગરની શાળાઓમાં અભ્યાસ કરતી અને ક્રિકેટ રમવામાં રસ ધરાવતી દિકરીઓને ટુર્નામેન્ટમાં રમવાની તક પુરી પાડવાના હેતુથી “જે.એસ.પટેલ મહિલા ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ” સીઝન-૨નું કોબાના જે.એસ.પટેલ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ગાંધીનગર સ્પોર્ટ્સ ક્લબની જીએસએ ગર્લ્સ ટીમ ફાઇનલમાં જીતીને ચેમ્પિયન બની હતી જ્યારે ડીસીએ ગર્લ્સ ટીમ રનર્સ અપ બની હતી.
“જે.એસ.પટેલ મહિલા ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ” સીઝન-૨ની ફાઇનલ જીએસએ ગર્લ્સ ટીમ અને ડીસીઅે ગર્લ્સ ટીમ વચ્ચે રમાઇ હતી જેમાં જીએસએ ગર્લ્સ ટીમે પ્રથમ બેટીંગ કરતા ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૩૧ રન કર્યા હતા જેમાં કેપ્ટન સૃષ્ટિ પટેલના ૪૪ રન હતા. જવાબમાં ડીએસએ ગર્લ્સ ટીમ ૧૪.૪ ઓવરમાં માત્ર ૫૦ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ટુર્નામેન્ટના સમાપાને જીએસએ ગર્લ્સ ટીમની ધ્રુવી પુરોહિતને “બેસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ”, કેપ્ટન સૃષ્ટિ પટેલને બેસ્ટ “બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ” અને કનિષ્કાને “બેસ્ટ ફિલ્ડર ઓફ ધ ટુર્નામેન્ટ”ના સન્માનથી સન્માનિત કરાયાં હતા. ગાંધીનગર સ્પોર્ટ્સ ક્લબના સંચાલક સલીલ યાદવે વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યાં હતા.