મધ્યપ્રદેશમાં એક ધારાસભ્યનો ભાવ 100 કરોડ રૂપિયા, સરકારને પછાડવા શરૂ થયા ખેલ
મધ્યપ્રદેશમાં 15 વર્ષનો વનવાસ ભોગવ્યા બાદ કોંગ્રેસ સરકાર પર હવે હોર્સ ટ્રેડિંગના ખતરાની ઘંટી વાગી રહી છે. બસપા અને સપાની નારાજગી હવે કમલનાથ માટે મુસીબત બની ગઈ છે. કોંગ્રેસ નેતા પર બીજેપીના ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લાગ્યો છે. કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, બીજેપી ધારાસભ્યોને 100 કરોડ રૂપિયાની લાલચ આપી રહી છે. તો ભાજપે પણ સામે પલટવાર કર્યો છે. પોતાના પર લાગેલા આરોપો ફગાવતા સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે, જો મારે જોડ તોડની રાજનીતિ કરવી જ હોત તો મધ્યપ્રદેશમાં કોઈ દિવસ કોંગ્રેસની સરકાર બનેત જ નહીં.
કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે મધ્યપ્રદેશમાં બીજેપી પર ધારાસભ્યો ખરીદવાનો આરોપ લગાવ્યો છે. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, ભાજપ અમારા ધારાસભ્યોને 100-100 કરોડ રૂપિયાની ઓફર આપી રહ્યું છે. મારી પાસે તેનું પ્રૂફ પણ છે. જરૂરત પડી તો તેને સાર્વજનિક પણ કરીશ.
મુખ્યમંત્રી કમલનાથે પણ ભાજપ પર વાર કરતા કહ્યું છે કે, વિરોધી દળ કેટલા પણ પ્રયાસ કરી લે, મધ્યપ્રદેશના ધારાસભ્યો સમજદાર છે. તેમને ખ્યાલ છે કે શું કરવાનું છે. ભાજપ વિધ્વંસકારી રાજનીતિ કરી રહી છે. યુવા કલ્યાણ અને ખેલમંત્રી જીતુ પટવારીએ કહ્યું છે કે બીજેપી વિધ્વંસકારી કામ કરે છે. ભાજપના નેતા કોંગ્રેસના ધારાસભ્યોને ઘણા પ્રલોભનો આપે છે. તેમનું કામ ભાગલા પડાવવાનું જ છે.
સંસદીય કાર્યમંત્રી ગોવિંદ સિંહે પણ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, બીજેપી વોટિંગ માટે ધારાસભ્યોને લાલચ આપી રહી છે. પણ ધારાસભ્યોએ ભાજપની માંગને ઠુકરાવી દીધી છે. બીજેપીના વિધાયકોએ બસપાના વિધાયકો સાથે ફોન પર વાત કરી પણ વિધાયકોએ તેમના આમંત્રણને ઠુકરાવી દીધું. 5 વિધાયકોમાં રાકેશ સિંહે વાત કરતા કહ્યું કે, તેમાં કોંગ્રેસ અને બસપાના વિધાયકો સામેલ છે. વોટિંગ માટે વિધાયકોને લાલચ આપવામાં આવી છે. જે ખોટું છે.
પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહે હોર્સ ટ્રેડિંગના મુદ્દે લગાવેલા આરોપો પર પલટવાર કરતા કહ્યું હતું કે, કમલનાથની સરકાર ઓછા મતોની સરકાર છે. સંખ્યાબળમાં ભાજપ વધારે છે. એટલા માટે પહેલા જ દિવસે અમે કહી દીધું હતું કે ભાજપ સરકાર નહીં બનાવે. અમે ઈચ્છેત તો લંગડી સરકાર બનાવી શકેત. પણ મેં કહ્યું કે અમે માત્ર પૂર્ણ બહુમતની સરકાર બનાવીશું. આ પ્રકારની આશંકા કરવી એ બિલ્કુલ ખોટી છે. જેટલું પ્રોગ્રેસિવ અમે થયા એવા કોઈ નથી થયા.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે આરોપોનું ખંડન કરતા કહ્યું કે, જો અમારે સરકાર બનાવવી જ હોત તો અમે ચૂંટણીના દિવસે જ બનાવી દેત.
શિવરાજ સરકારના કાર્યકાળમાં મંત્રી રહી ચૂકેલા સંજય પાઠકે હોર્સ ટ્રેડિંગ કરવાને લઈને કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નખશીખ પાયાવિહોણા બતાવ્યા છે. પાઠકે કહ્યું છે કે, જો ભાજપ હોર્સ ટ્રેડિંગ કરવા માગતી જ હોત, તો શિવરાજ સિંહ ચૌહાન સીએમ પદ પરથી રાજીનામું આપેત જ નહીં. અને ભાજપ કોંગ્રેસનો સરકાર બનાવવાનો રસ્તો સાફ જ ન કરેત.
એટલે કે મધ્યપ્રદેશમાં બનેલી નવી સરકારને તાજપોશીનો એક મહિનો નથી થયો ત્યાં ભાજપ હવે ઉખેડવાના અવનવા પેતરા આદરી રહી છે તેવો વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. પરંતુ જો મધ્યપ્રદેશમાં સપા અને બસપાના ધારાસભ્યોનો અસંતોષનો રાગ રાહુલ ગાંધી ખૂદ જઈ શાંત ન કરે તો બની શકે કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર સ્કૂલમાં રિસેસ પડી હોય તે પ્રકારનું ચિન્હ સ્થાપિત કરી વિદાય લઈ લેશે.