જયંતી ભાનુશાળી હત્યા કેસમાં જાણો શું થયો મહત્વનો ખુલાસો
સયાજીનગરી એકસપ્રેસમાં ચાલુ ટ્રેને હત્યા કરનારા શખસોને જયંતી ભાનુશાળી ઓળખતા હોવાનો પણ ચોંકાવનારો ઘટસ્ફોટ સૂત્રો દ્વારા થયો છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સહપ્રવાસી પવનના જણાવ્યા અનુસાર રાત્રે સાડા બાર વાગ્યા બાદ તેઓ ભાનુશાળી સાથે વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન કેબિનનો દરવાજો કોઇએ ખટખટાવ્યો હતો. ટીસી સમજીને જયંતી ભાનુશાળીએ દરવાજો ખોલ્યો હતો.
દરવાજો ખોલતા જ બંને જણા અંદર ઘુસી ગયા હતા. ભાનુશાળીએ દરવાજો બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ધકકો મારીને બંને અંદર દાખલ થયા હતા. એ બાદ આવેલા બંને શખસો અને ભાનુશાળી વચ્ચે બોલાચાલી થઇ હતી. ભાનુશાળીએ કચ્છી ભાષામાં ગાળ આપીને તમને નહી છોડુની ચીમકી પણ આપી હતી. એવામાં જ આવેલા બ શખસોમાંથી એક તમંચો કાઢીને જયંતી ભાનુશાળી સામે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ.આમાંથી ત્રણ રાઉન્ડ મિસફાયર થયા હતા. જ્યારે કે બે રાઉન્ડમાંથી એક જયંતી ભાનુશાળીની આંખ પર જ્યારે કે બીજી ગોળી છાતીમાં વાગી હતી.
જયંતી ભાનુશાળીની હત્યા સહપ્રવાસીની નજર સામે જ થયાનો પણ સૂત્રો દ્વારા ખુલાસો થયો છે. સયાજીનગરી એકસપ્રેસમાં જયંતી ભાનુશાળીના સહપ્રવાસી પવન મોરેએ વોશ રૂમમાં ગયો તે દરમિયાન ભાનુશાળીની હત્યા થયાનુ નિવેદન આપ્યુ હતુ. જો કે સાંજે તેને અમદાવાદ લાવી પણ પૂછપરછ કરાઇ હતી. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આ દરમિયાન તેણે ફેરવી તોળ્યુ હતુ. પવને જણાવ્યા અનુસાર બે શખસો તેની સામે જ એસી કેબિનમાં દાખલ થયા હતા. આ બંને શસખો સાથે ભાનુશાળીની બોલાચાલી પણ થઇ હતી. બાદમાં આવેલા શખસોએ દેશી તમંચાથી તેમની પર ફાયરીંગ કર્યુ હતુ. પાંચ રાઉન્ડ કરાયેલા ફાયરિંગમાં ત્રણ રાઉન્ડ મિસફાયર થયા હતા. જ્યારે કે એક આંખમાં અને એક છાતીમાં ગોળી વાગતા જયંતી ભાનુશાળી ત્યાં જ ઢળી પડ્યા હતા.
આ હત્યા બાદ હુમલોખોરોએ પવનને પણ મારી નાખવાની ચર્ચા કરી હતી. જો કે એક હત્યારાએ ના પાડી હતી. બાદમાં બંને હુમલાખોરો ફરાર થયા હતા. બંને હત્યારા સામખિયાળી આવે તે પહેલા જ ચેન પુલિંગ થતા ભાગી ગયા હતા. ટ્રેન સ્ટેશન આવે તેની ત્રણ મિનિટ પહેલા ઉભી રહી હતી. આ ચેન પુલિંગ પણ જયંતી ભાનુશાળી જે એચ વન કોચમાં સવાર હતા તેમાંથી નહોતુ થયુ. આ કારણે આ હત્યારાઓના અન્ય સાથી પણ ટ્રેનના બીજા કોચમાં સામેલ હોવાની શક્યતા સેવાઇ રહી છે.