યાત્રાધામ શામળાજી માં શામળાજી મહોત્સવ-2023માં પધારવા અરવલ્લી જિલ્લાની જાહેર જનતાને આમંત્રણ
અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે રાજ્ય સરકાર અને અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા શામળાજી મહોત્સવ -૨૦૨૩ આગામી તા. ૨૫/૦૨/૨૦૨૩ થી તા. ૨૬/૦૨/૨૦૨૩ ના રોજ શ્રી શામળાજી મંદિર ખાતે યોજવા નક્કી કરવામાં આવેલ છે. પરિસરમાં જુદા જુદા કલાવૃંદો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. ૨૦૧૬થી યોજાતા આ કાર્યક્રમમાં આસપાસમાંથી મોટી સંખ્યામાં નાગરિકો મહોત્સવ જોવા ઉમટે છે અને કાર્યક્રમનો આનંદ માણે છે. આ વર્ષે યોજાનાર શામળાજી મહોત્સવ સાંજે 7:30 કલાક્થી પ્રારંભ થશે. આ મહોત્સવમાં કૃષ્ણલીલા અને કૃષ્ણભક્તિ આધારિત કાર્યક્રમો યોજાશે જેમાં અરવિંદ વેગડા, હેમાલી વ્યાસ જેવા કલાકારો પર્ફોર્મ કરશે. આ સરસ આયોજનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લાના નાગરિકો જોડાય અને શામળાજી મહોત્સવનો આનંદ માણે તે માટે મોડાસા પ્રાંત અધિકારી શ્રી અમિત પરમારે જિલ્લા વહિવટી તંત્ર વતી જાહેર જનતાને શામળાજી મહોત્સવમાં પધારવા અપીલ સહ આમંત્રણ પાઠવ્યું.