તાપમાનમાં ફરી એકવાર વધારો થવાની શરુઆત
ફેબ્રુઆરીનો અંત આવે તે પહેલા જ હવામાને પાછલા ભારે ગરમી અનુભવાઈ રહી છે. મહત્વનું છે કે ફેબ્રુઆરીમાં જ તાપમાનમાં મોટા ફેરફાર થતા ૫૦ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. રાજ્યના વિવિધ શહેરોમાં ફરી એકવાર તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે અમદાવાદ અને ગાંધીનગરના બદલે સૌરાષ્ટÙના અમરેલી, સુરેન્દ્રનગર, કેશોદમાં ઊંચું મહત્તમ તાપમાન નોંધાયું છે. આ સિવાય રાજ્યના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાનનો પારો ૩૦ને વટાવી ગયો છે.
લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા શુક્રવારે વ્યક્ત કરવામાં આવી હતી, આ પ્રમાણે આજથી અમદાવાદ સહિતના રાજ્યના અન્ય શહેરોમાં આકરો તાપ અનુભવાઈ રહ્યો છે. બપોરના સમયે રસ્તા પર વાહનોની અવરજવર પણ ઓછી જાવા મળી રહી છે.
હવામાન વિભાગે રજૂ કરેલા આંકડા પ્રમાણે આજે સૌથી વધુ મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી અમરેલી અને સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. આ સિવાય રાજકોટ, કેશોદ, વડોદરા, સુરતમાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત વલ્લભ વિદ્યાનગર અને ભૂજમાં ૩૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન કેશોદમાં ૧૨ ડિગ્રી નોંધાયું છે. આ સિવાય ગાંધીનગર અને નલિયામાં ૧૪ ડિગ્રી જ્યારે અમદાવાદ, વડોદરા, વલસાડ લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રી નોંધાયું છે. રાજ્યના મોટાભાગના શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૭ની અંદર નોંધાયો છે. આમ રાત્રે તથા વહેલી સવારે સામાન્ય ઠંડક અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
બેવડી ઋતુના કારણે બાળકો સહિત વિવિધ ઉંમરના લોકોમાં સામાન્ય શરદી, ખાંસી અને તાવના કેસો પણ વધુ નોંધાઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા શુક્રવારે આગાહી કરાઈ હતી કે આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો થઈ શકે છે.
આગામી ૫ દિવસ દરમિયાન રાજ્યનું હવામાન સૂકું રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. આગામી ૨૪ કલાકમાં તાપમાનમાં મોટા ફેરફારની સંભાવના નહીવત હોવાનું પણ હવામાન વિભાગ જણાવે છે.
૨૪ કલાક પછી લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલ રાત્રે અને વહેલી સવારે ઠંડક અનુભવાય છે પરંતુ સોમવારથી લઘુત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એટલે કે રાત્રી દરમિયાન જે પ્રકારે હાલ ઠંડક રહે છે તેનો અંત આવશે.