જાહેર દેવામાં વર્ષ ૨૦૨૦-૨૧માં ૨૨,૦૨૩ કરોડ રૂપિયા અને વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૩,૦૬૩ કરોડનું વ્યાજ ચૂકવામાં આવ્યું
ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થઈ ગયું છે.આજે પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસે રાજ્યના દેવા અંગેનો સવાલ ઉઠાવ્યો હતો. કોંગ્રેસના ઉપદંડક શૈલેષ પરમારે રાજ્યના જાહેર દેવા અંગેનો સવાલ પુછીને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે સરકાર તરફથી લેખિતમાં જવાબ આપવામાં આવ્યો હતો કે, વર્ષ ૨૦૨૩ની Âસ્થતિએ રાજ્ય સરકારનું જાહેર દેવું ૩,૨૦,૮૧૨ કરોડ રૂપિયા છે. તે ઉપરાંત સરકારે જણાવ્યું હતું કે, જાહેર દેવામાં વર્ષ ૨૦૨૦-૨૧માં ૨૨,૦૨૩ કરોડ રૂપિયા અને વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૩,૦૬૩ કરોડનું વ્યાજ ચૂકવામાં આવ્યું છે. જ્યારે વર્ષ ૨૦૨૦-૨૧ માં ૧૭,૯૨૦ કરોડ રૂપિયા અને વર્ષ ૨૦૨૧-૨૨ માં ૨૪,૪૫૪ કરોડ રૃપિયાની મુદલ ચૂકવામાં આવી છે.
બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા ગૃહમાં ભારત સરકાર દ્વારા જીએસટી કાયદાના અમલમાં બાદ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવતા વળતર મામલે સવાલ પુછ્યો હતો. જેમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ૩૦ હજાર ૪૦૧ કરોડની ચુકવણી કરવાની છે. જેની સામે ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૪ હજાર ૨૧૯ કરોડ ૭૩ લાખ ચૂકવવા આવ્યા છે.
જ્યારે ૧૭ હજાર ૪૫ કરોડ ૧૩ લાખ રૂપિયા લોન પેટે આપવામાં આવ્યા છે. તો ૯ હજાર ૧૩૬ કરોડ ૨૬ લાખની ચુકવણી કરવાની બાકી છે. રાજ્ય સરકારે નાણાંકીય સંસ્થા પાસેથી ૧૭૮૧૨ કરોડની લોન લીધી છે, તે ઉપરાંત બજાર લોનમાંથી સરકારે ૨,૬૪,૭૦૩ કરોડની લોન લીધી છે, કેન્દ્ર પાસે રાજ્ય સરકારે ૯૭૮૮ કરોડની લોન લીધી છે, સરકારે ૨૨,૦૬૩ રૂપિયા વ્યાજ અને ૨૪,૪૫૪ કરોડ રૂપિયા મુદલની ચુકવણી કરી છે.