જિલ્લામાં ફાગણ માસમાં અષાઢી માહોલ : વાવાઝોડા સાથે વરસાદી ઝાપટા
ગાંધીનગર: રાજ્યભરમાં હવામાનમાં પલટો આવવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જે અંતર્ગત માવઠાની અસરથી અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો છે. આવા સંજોગોમાં અનેક વિસ્તારોમાં ધૂળભર્યા પવનો ફૂંકાતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. બીજી તરફ ઉનાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે અચાનક હવામાનમાં આવેલા પલટાને કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે આ વાતાવરણની અસર રાજ્યના પાટનગર સહિત ગાંધીનગર જિલ્લામાં પણ અનુભવાય તેવો અહેસાસ શહેરની જનતાએ કરવો પડ્યો હતો. ત્યારે માણસામાં ભારે વરસાદ થયો હતો અને કલોલ અને ગાંધીનગર સહિત દહેગામમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સાથે સાથે લઘુત્તમ તાપમાનનો પારો પણ નીચે ગયો છે.
મહાશિવરાત્રિના તહેવાર પછી ધીમે ધીમે ઉનાળાની ગરમી શરૂ થઈ રહી છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી હવામાનમાં પલટો આવી રહ્યો છે. આ જોતા ચક્ર પણ આગળ વધી રહ્યું છે. આ સમયે હોળી-દશેટી પર્વની ઉજવણીમાં લોકો જોડાયા છે. ત્યારે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે આ દિવસોમાં હવામાનમાં પલટો આવશે અને અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. ત્યારબાદ બદલાયેલા હવામાનની અસર સોમવારે જોવા મળી હતી. પાટનગરમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ત્યારે અચાનક સાંજના સમયે સમગ્ર ગાંધીનગર જિલ્લો ધૂળની ડમરીઓમાં લપેટાઇ જતાં વાહનચાલકો ફસાઇ ગયા હતા. બીજી તરફ ધીમે ધીમે ઘેરા મોટા વાદળો ઘેરાતા શહેરવાસીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ જિલ્લામાં અચાનક પડેલા વરસાદને કારણે કલોલ અને પાટનગર તેમજ દહેગામ તાલુકામાં પણ વરસાદી ઝાપટા પડયા છે તો વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. સોમવારે લઘુત્તમ તાપમાન 19.4 ડિગ્રી નોંધાયું હતું. તો મહત્તમ તાપમાન 36.5 ડિગ્રીએ પહોંચી ગયું છે. બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં વરસાદ સાથે ધૂળિયા પવન ફૂંકાયા હતા. ત્યારે જિલ્લા સહિત સમગ્ર ગાંધીનગર શહેરમાંથી ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી, આમ આ વાતાવરણની અસર પાટનગરમાં પણ પ્રસરી હતી અને પાટનગર અંધેનગર બની ગયું હતું. સાથે સાથે તાપમાનનો પારો ઘટવાથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. તો વાદળોના કારણે ફાણગણ માસમાં હવામાનનો મિજાજ અનુભવાયો છે. બીજી તરફ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલના કારણે હોળીના સમયે પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.