CNG-PNG ગેસ થઇ શકે છે સસ્તો, મોદી કેબિનેટમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં CNG અને PNG ગેસના ભાવોને લઈ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ યોજાયેલી કેબિનેટ બેઠકમાં પ્રાકૃતિક ગેસની કિંમત નક્કી કરવા માટે નવી ફોર્મ્યુલાને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત CNG અને પાઈપવાળા રાંધણગેસના ભાવની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. સરકારના આ નિર્ણય બાદ CNG અને PNG ઈંધણના ભાવ ઘટવાની શક્યતા જોવાઈ રહી છે. આગામી સમયમાં PNG-CNGની કિંમતમાં 10 ટકાનો ઘટાડો નોંધાઈ શકે છે. મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠક બાદ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, કેબિનેટે APM ગેસ માટે 4 ડોલર પ્રતિ MMBTUના આધારે મૂળ કિંમતને મંજૂરી આપી છે અને એમએમબીટીયુ દીઠ 6.5 ડોલરની મહત્તમ મર્યાદીત કિંમતને મંજૂરી આપી છે. તેમણે માહિતી આપી હતી કે, APM ગેસ તરીકે ઓળખાતી પરંપરાગત અથવા જૂના ક્ષેત્રોમાંથી ઉત્પાદિત પ્રાકૃતિક ગેસને હવે અમેરિકા, કેનેડા અને રશિયા જેવા સરપ્લસ દેશોની જેમ ક્રૂડ ઓઈલના ભાવ સાથે જોડવામાં આવશે. અગાઉ તેની કિંમતો ગેસના ભાવના આધારે નક્કી કરાતી હતી.
આ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરાયા બાદ 1 એપ્રિલથી APM ગેસની કિંમત ભારતીય બાસ્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતના 10 ટકા થઈ જશે. જો કે આ કિંમત 6.5 ડોલર પ્રતિ મેટ્રિક મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ્સથી વધુ નહીં હોય. વર્તમાન ગેસની કિંમત 8.57 ડોલર પ્રતિ MMBTU છે. તેમણે કહ્યું કે, દર મહિને કિંમતો નક્કી કરાશે, જ્યારે અત્યાર સુધી વર્ષમાં બે વાર તેની સમીક્ષા થતી હતી.