ગુજરાત

એક જ દિવસમાં કોંગ્રેસ શાસિત 4 તાલુકા પંચાયતને ભાજપે ઉથલાવવાની કરી દીધી કોશિશ

જસદણમાં અને પછી ઉંઝામાંથી કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યા બાદ ભાજપ તાલુકા પંચાયતમાં પહોંચી છે. આજે એક જ દિવસમાં 4 તાલુકા પંચાયતમાં જ્યાં કોંગ્રેસ સર્મથીત ઉમેદવારો છે તેને ઉથલાવવાની કોશિશ કરી દેવાઈ છે. જેમાં ખાસ જૂનાગઢના વંથલી, ઉંઝા, મહેસાણામાં કોંગ્રેસ સમર્થીત શાસન વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરાયો છે.

વંથલી કોંગ્રેસનો વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસ શાસિત નગરપાલિકાના ઉપપ્રમુખ પર અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે. બાર દિવસ પહેલા જ વરણી થયેલ ઉપપ્રમુખ નિકુંજ ત્રાંબડીયા પર કોંગ્રેસના જ 15 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી છે. આ અંગે પ્રમુખ સહિતના સભ્યોએ થોડા દિવસ પહેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રજૂઆત કરી હતી. જે બાદ ડેમેજ કંટ્રોલ કરવા પ્રદેશમાંથી આગેવાનો પણ આવ્યા હતા. અનેક પ્રયાસો છતાં ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા. અને હવે આ અવિશ્વાસની દરખાસ્તથી વંથલી કોંગ્રેસનો કકળાટ જગજાહેર બની ગયો છે.

તો હવે મહેસાણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમસીમાએ આવ્યો છે. અને ભાજપ તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી આંચકી લે તેવા એંધાણ વર્તાયા છે. મહેસાણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે ભાજપના ટેકાથી અવિશ્વાસની દરખાસ્ત કરી છે. ભાજપ ના 8 સભ્યો સાથે કોંગ્રેસના 22 સભ્યોમાંથી બળવો કરનારા 13 સભ્યો જોડાતાં બહુમતીના જોરે પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી.

આ 21 સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસની દરખાસ્ત આપી. જેને પગલે કોંગ્રેસમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. મહેસાણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના બે જૂથ પડી ગયા છે. ત્યારે હવે બીજુ જૂથ ભાજપના ટેકાથી પ્રમખ અને ઉપપ્રમુખ નક્કી કરશે. તો બીજી બાજુ તાલુકા પંચાયતના અધિકારી સહિત પ્રમુખ અને ઉપપ્રમુખે ફોન બંધ કરી દીધા છે.

બનાસકાંઠાના લાખણી તાલુકા પંચાયતમાં પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા કોંગ્રેસના સભ્ય ફરી એક વખત કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસના તાલુકા પંચાયતના સભ્ય ધેગાભાઈ રબારી તાલુકા પંચાયતના પ્રમુખ પદની લાલચમાં પક્ષ પલટો કરી ભાજપમાં ગયા હતા. જોકે હવે તાલુકા પંચાયતનુ સભ્ય પદ જ જવાના ડરે તેઓ ફરી કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ પાર્ટીમાં પરત ફરતા તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા માટે કરાયલી અરજી પણ પાછી ખેંચાઈ છે. પરંતુ તાલુકા પંચાયતને ઉથલાવવાની કોશિશ પુરી કરાઈ હતી.

આશાબેન પટેલના રાજીનામાં બાદ કોંગ્રેસને ઊંઝામાં વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ શાસિત ઉંઝા પાલિકામાં રાજકીય ભૂકંપ આવ્યો છે. ઊંઝા તાલુકા પંચાયતમાં પ્રમુખ ભરતજી રાજપૂત અને ઉપપ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાતા રાજકીય માહોલ ગરમાયો છે. તાલુકા પંચાયતના કુલ 18 સભ્યોમાંથી 12 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. જેમાં કોંગ્રેસના 7 સભ્યો, અપક્ષના 4 અને ભાજપના 1 સભ્યનો સમાવેશ થાય છે. તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 13 સભ્યો છે. જેમાંથી સાત સભ્યોએ તેમના જ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી છે. જેથી આવનારા દિવસોમાં તાલુકા પંચાયત ભાજપના હાથમાં આવી શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x