શહેરમાં ગટર-પાણીની લાઇનો નાંખતી એજન્સીના કામમાં ભ્રષ્ટાચારથી લોકો ત્રાહિમામ : અંકિત બારોટ
ગાંધીનગર :
શહેરના સેક્ટ૨-૨૪ના આદર્શનગરમાં પાણીનું મીની ટેન્કર વગર વરસાદે જમીનમાં પડેલા ખાડામાં ફસાઈ જતાં ફરી ગટર-પાણીની લાઈનો નાંખ્યા બાદ માટી પુરાણમાં એજન્સી દ્વારા કરાયેલા ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો હતો. એજન્સી દ્વારા શહેરમાં લાઈનો નાંખવા ખાડો ખોદ્યા બાદ યોગ્ય માટી પૂરાણ નહી કરવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. લોકોને એજન્સી દ્વારા થાય એ કરી લો, હું બહુ પહોંચેલો માણસ છું, કહીને નાગરિકો સાથે દાદાગીરી કરતા કોન્ટ્રાક્ટરને નોટિસ આપી દંડનીય કાર્યવાહી કરવા અને ગુણવત્તાયુક્ત કામ નહી થાય તો નાગરિકોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી મનપાના વિપક્ષ નેતા અંકિત બારોટ દ્વારા આપવામાં આવી છે. પાણી અને ગટરની લાઈનો નાંખી યોગ્ય પુરાણના અભાવે નાગરિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હોવાની રજુઆત કોંગ્રેસના અંકિત બારોટે મ્યુનિ કમિશનરને કરી છે. છેલ્લા ઘણા સમયથી શહેરમાં નવી ગટર અને પાણીની લાઈનો નાંખવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ તેનાથી લોકોનું સુખસેન છીનવાઈ ગયું છે. લોકોની સુખાકારી નહિ પણ મુશ્કેલીઓ વધી છે. કોન્ટ્રાક્ટર મકાનની બહાર લાઈન ખોદીને જતા રહે છે, ત્યારબાદ પોતાની મરજી મુજબ પુરાણ કરવા આવે છે. કોન્ટ્રાક્ટર દ્વારા ખોદેલી માટી બારોબાર વેચી મારવામાં આવે છે. આથી જ્યારે ખોદેલી જગ્યામાં પુરાણ કરવાનું થાય ત્યારે માટી ઓછી હોવાથી યોગ્ય પુરાણ થતું નથી. જેના કારણે લોકોના ઘરની બહાર ગમે ત્યારે મોટા ભૂવા પડી રહ્યા છે. અને વાહનો તેમાં ફસાઈ જવાના કિસ્સાઓ અવાર નવાર બની રહ્યા છે.