ગાંધીનગર

વાપીમાં BJPના નેતાની ગોળી મારીને હત્યા : ગાડીમાં બેઠેલા નેતા પર ફાયરિંગ થતાં ત્રણ ગોળી વાગતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ

વાપીના રાતા વિસ્તારમાં ભાજપના ઉપપ્રમુખની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા ગયા હતા. ત્યારે બાઇક પર આવેલ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપ્યો હતો. જે બાદ શખ્સો ફરાર થઈ ગયા હતા. જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ દર સોમવારે પત્ની સાથે શિવ મંદિરે દર્શન કરવામાં આવતા હતા. ત્યારે આજે સવારે 7.15ની આસપાસ પત્ની સાથે મંદિરે પહોંચ્યા અને પત્ની મંદિરની અંદર ગયાં જ્યારે શૈલેષ પટેલ ગાડીમાં જ બેસીને પત્નીની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે અચાનક એક બાઈક તેમની ગાડી પાસે આવીને ઊભી રહી ગઈ. આ બાઈક પર 4 શખ્સો સવાર હતા. શૈલેષ પટેલ કઈ સમજે તે પહેલાં જ શખ્સોએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું. 4 રાઉન્ડ ફાયરિંગમાં શૈલેષ પટેલને ત્રણ ગોળીઓ વાગી હતી. જ્યારે ચારેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. તેમનાં પત્ની જ્યારે મંદિરેથી દર્શન કરી ગાડી તરફ ગયાં તો ગાડીના દરવાજા પર લોહી જ લોહી હતું. દરવાજો ખોલતાં જ પતિને લોહીલુહાણ હાલમાં જોતા જ પત્નીએ ચીસાચીસ કરી મૂકી હતી. ત્યારબાદ શૈલેષ પટેલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસ અને જિલ્લા ભાજપના અગ્રણીઓને થતા ઘટના સ્થળે BJPના આગેવાનો અને પોલીસનો કાફલો દોડી આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસ અને જિલ્લા ભાજપના અગ્રણીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા હતા. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ઘટના સ્થળનું નિરીક્ષણ અને આજુબાજુના વિસ્તારમાં તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે. LCB, SOG સહિતની ટીમોએ હાલ તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળની આજુબાજુના વિસ્તારના CCTV ફૂટેજ પણ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x