‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદી સહિત ત્રણ સામે FIR નોંધાઈ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. સોશિયલ મીડિયા પર આ શોનું જોરદાર ફેન ફોલોઇંગ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ શો વિવાદોના વંટોળમાં ફસાયો છે. શોના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ નોંધવામાં આવ્યો છે. હવે આ ઘટનામાં અસિત મોદી અને અન્ય બે વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. શોમાં ‘મિસિસ સોઢી’ની ભૂમિકા ભજવતી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે ગત મહિને નિર્માતા અસિત મોદી, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ અને ઓપરેશન હેડ સોહિલ રામાણી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તે જ સમયે જેનિફરની પૂછપરછ કર્યા પછી હવે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ન્યૂઝ એજન્સી ANIએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
અભિનેત્રીએ અસિત મોદી તેમજ ‘તારક મહેતા’ના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ અને ઓપરેશન્સ હેડ સોહિલ રામાણી સામે ફરિયાદ નોંધાવી હતી અને હવે પોલીસે કેસ નોંધ્યો છે. મુંબઈ પોલીસે અસિત મોદી, સોહિલ રામાણી અને જતિન બજાજ વિરુદ્ધ આઈપીસીની કલમ 354 અને 509 હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.