ગાંધીનગરમાં છેલ્લા સપ્તાહમાં બાળકોમાં કન્જક્ટિવાઇટિસના પ્રમાણમાં 20%નો વધારો
છેલ્લા એક સપ્તાહમાં બાળકોમાં કન્જેક્ટિવાઇટિસની બિમારીનું પ્રમાણમાં 20 ટકાનો વધારો થયો છે. આથી પરિવારમાં માતા-પિતા કે અન્ય વ્યક્તિને કન્જેક્ટિવાઇટિસની બિમારી થઇ હોય તો તેની મોબાઇલ સહિત કોઇપણ વસ્તુ બાળકોને રમવા આપવી નહી. ઉપરાંત શાળામાં જતા બાળકોને એક સપ્તાહ સુધી શાળામાં નહી મોકલવા ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આંખ વિભાગના હેડ ડોક્ટરે જણાવ્યું છે.
ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. આથી ચેપી ગણાતા કન્જેક્ટિવાઇટિસના વાયરસનું સંક્રમણ હાલમાં સ્પીડમાં થઇ રહ્યું છે. જેને પરિણામે અબાલવૃદ્ધ સૌ કોઇ કન્જેક્ટિવાઇટિસ (અખિયા મિલાકે) બિમારનો ભોગ બની રહ્યા છે. કેમ કે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા વીસેક દિવસમાં કન્જેક્ટિવાઇટિસ બિમારના કેસમાં રોકેટગતિએ વધારો થઇ રહ્યો છે. વીસેક દિવસ અગાઉ પ્રતિ દિન 80 જેટલા કેસ નોંધાયા હતા. જે હાલમાં પ્રતિ દિન 325 જેટલા કેસ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નોંધાઇ રહ્યા છે. જોકે ચેપી ગણાતા અખિયાં મિલાકે બિમારીના સંક્રમણનું પ્રમાણ બાળકોમાં વિશેષ જોવા મળી રહ્યું છે. સપ્તાહ પહેલાં માંડ 10 ટકા જ બાળકો અંખિયા મિલાકે બિમારીના નોંધાતા હતા. પરંતુ માત્ર એક જ સપ્તાહમાં અખિયા મિલાકે બિમારીના કેસમાં 20 ટકા વધારા સાથે 30 ટકા જેટલું પ્રમાણ વધી ગયા હોવાનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આંખ વિભાગના એચઓડી ડો.જીગીસ દેસાઇએ જણાવ્યું છે. જિલ્લામાં ઘેર ઘેર અંખિયા મિલાકે જોવા મળી રહ્યો છે.
કન્જેક્ટિવાઇટિસની બિમારીનો ભોગ બાળકો બને તો તેને નિયમિત આંખના તબિબની પાસે ચેકઅપ કરાવીને તબિબના માર્ગદર્શન મુજબ આંખમાં દવાના ટીપાં નાંખવા. શાળામાં જતા બાળકો બિમારીનો ભોગ બને તો એક સપ્તાહ સુધી શાળામાં મોકલવા નહી. જો માતા પિતાને બિમારી થઇ હોય અને બાળક ધાવણ લેતું હોય તો માતાએ આંખોમાં ચશ્મા પહેરવા તેમજ બાળકને અડતા પહેલાં હાથ સાફ કરવા. માતા-પિતા બિમારીનો ભોગ બને તો મોબાઇલ સહિતની કોઇપણ વસ્તુ બાળકોને વાપરવા કે ગેમ રમવા આપવી નહી તેમ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આંખ વિભાગના એચઓડી તબિબ ડો.જીગીસ દેસાઇએ જણાવ્યું છે.