આણંદના કલેકટર IAS ડી.એસ. ગઢવી સસ્પેન્ડ : એક વીડિયો ક્લિપમાં મહિલા સાથે રંગરેલિયામાં લેવાયો ભોગ
આણંદ :
આણંદના કલેકટર IAS ડી.એસ. ગઢવીને આજે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. તેમને અશિસ્તના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મૂળ મહેસાણાના વતની ડી.એસ.ગઢવીએ ઈલેક્ટ્રોનિક્સ વિષય સાથે બી.ઈ.નો અભ્યાસપૂર્ણ કરીને ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરીને સરકારી સેવામાં જોડાયા હતા. 2015ના પ્રોબેશનરી આઈ.એ.એસ દિલીપ એસ. ગઢવીએ 2022માં આણંદ જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળ્યો હતો. તેમને આજે સસ્પેન્ડ કરાતાં તેમની જગ્યાએ મિલિંદ બાપનાને આણંદ કલેકટરનો એડિશનલ ચાર્જ સોંપવામાં આવ્યો છે.
ગઢવીનો એક વિવાદાસ્પદ વીડિયો ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો હતો. તેની તપાસ ઉચ્ચ કક્ષાની કમિટી કરી રહી છે અને હવે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ ખેડાના ડીડીઓ હતા ત્યારે પણ એક વિવાદમાં ફસાયા હતા. હવે તેમને આણંદ કલેકટર પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમણે ડેપ્યુટી કલેકટર તરીકે ધોળકા, પાલનપુર તથા અંબાજી માતા દેવસ્થાનના વહીટવદાર તરીકે ફરજ બજાવી હતી. નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે તથા આઈ.એ.એસમાં નોમીનેશન થયા બાદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ખેડા, ડાંગ અને સુરત ખાતે તેમજ ગ્રામ વિકાસ વિભાગમાં ડેપ્યુટી કમિશ્નર તરીકે કામગીરી કરી છે. આણંદ કલેકટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ તેમણે કહ્યું હતું કે, આણંદ જિલ્લો વિકાસ ક્ષેત્રે ખૂબ ઝડપભેર આગળ વધી રહ્યો છે. જિલ્લામાં સાયન્સ અને ટેકનોલોજીના વધુ ઉપયોગ સાથે રોજગારીનું સર્જન થાય, તેના માધ્યમથી લોકોનો આર્થિક વિકાસ થાય અને જીવનશૈલી વધુ સરળ બને તે માટેના કાર્યોને પ્રાધાન્ય આપવાના તેમણે નેમ વ્યક્ત કરી હતી.
ડી.એસ. ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવતાં મિલિંદ બાપનાને આણંદ કલેકટરનો વધારાનો ચાર્જ સોપંવામાં આવ્યો છે. હાલ મિલંદ બાપના આણંદના ડિસ્ટ્રિક્ટ ડેલપમેન્ટ ઓફિસર છે. તેઓ મૂળ રાજસ્થાનનાં ઉદયપુરના વતની છે. તેમણે કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમજ બેગ્લોર ખાતેથી બિઝનેશ લોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓએ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને વર્ષ 2017માં ભારતીય પ્રશાસનિક સેવામાં જોડાયા છે. મિલિંદ બાપના અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસીંગ ડીપાર્ટમેન્ટ, સચિવાલય, ગાંધીનગરમાં ડેપ્યુટી સેક્રેટરી ટુ ગર્વમેન્ટ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
નોંધનીય છે કે, આણંદની જિલ્લા કલેકટર કચેરીમાં થોડા સમય પહેલા એક ઘટના બની હતી, જેમાં કલેક્ટરની આલીશાન ચેરની સામે, ભારતીય રાજ ચિહ્નોની હાજરીમાં જ વય નિવૃત્તિને આરે આવેલા સાહેબ એક મહિલા સાથે અંગત પળો માણતા કેમેરામાં કેદ થયા હતા. જાન્યુઆરીનો આ CCTV ફૂટ્ટેજનો વીડિયો બહાર આવતા બ્યૂરોકેટ્સમાં અનીતિનો રૂપિયો અનીતિમાં જ જાય એવી ચર્ચાએ જોર પકડ્યું હતું. આ ઘટના બાદ આજે એકાએક મોટી કાર્યવાહી થતાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું ખરેખર આ ઘટના બાદ આણંદ કલેક્ટર સસ્પેન્ડ થવાની ઘટના બની છે.
આણંદની જિલ્લા કલેકટર કચેરીમાં બનેલી ઘટના બાદ મુખ્યમંત્રી કક્ષાએથી ઓર્ડર થયા બાદ એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં તમામ મહિલા અધિકારીઓને સમાવવામાં આવ્યાં છે, જેમાં અધિક મુખ્ય સચિન સુનૈના તોમર, અગ્ર સચિવ મમતા વર્મા, ગ્રામ વિકાસ કમિશનર મનીષા ચંદ્રા, સંયુક્ત સચિવ ભક્તિ શામળ તથા દેવીબેન પંડ્યાનો સમાવેશ થાય છે.