મહારાષ્ટ્રમાં ભયાનક લિફ્ટ દુર્ઘટના, 7 શ્રમિકોના કરુણ મોત
મહારાષ્ટ્રમાં ભયાનક લિફ્ટ દુર્ઘટના ઘટી છે, જેમાં 7 શ્રમિકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. આ દુર્ઘટના પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું છે. થાણેના બાલકુમ વિસ્તારમાં 40 માળની રૂનવાલ એરિન બિલ્ડિંગની લિફ્ટ ધરાશાયી થતાં 7 કામદારોના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં જ જેનું બાંધકામ પૂરું થયું હતું તે ઈમારતની છત પર વોટરપ્રૂફિંગનું કામ ચાલી રહ્યું હતું. મહત્વનું છે કે, શ્રમિકો 40 માળની બિલ્ડિંગની ઉપર વોટર પ્રૂફિંગનું કામ કરીને લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા હતા. આ દરમિયાન લિફ્ટ તુટી પડતા ભારે અફરા-તફરી સર્જાઈ હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતા પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કામદારોના મૃતદેહને બહાર કાઢ્યા હતા.
ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને કહ્યું, ‘થાણેમાં લિફ્ટ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરું છું.