ઠંડી વચ્ચે રાજ્યમાં માવઠાની આગાહીથી ખેડૂતોમાં ફફડાટ
ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધીરે ધીરે ઠંડીનો માહોલ જામ્યો છે એવામાં ભાર શિયાળે ચોંમાસાનો માહોલ સર્જાવાની આગાહી કરવામાં આવી છે. શિયાળામાં વરસાદી આગાહી સામે આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ગુલાબી ઠંડી વચ્ચે વિવિધ વિસ્તારમાં વરસાદના યોગ સામે આવ્યા છે. તારીખ 25 અને 26 નવેમ્બરના વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં આગામી ટુંક સમયમાં માવઠુ થવાની શક્યતા છે. ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના ખેડૂતો માટે આ સૌથી મોટા માઠા સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 25 અને 26 નવેમ્બરે રાજ્યમાં માવઠુ થઇ શકે છે, પશ્ચિમ બંગાળ અને અરબી સમુદ્રમાં ભેજના કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ પેદા થઇ છે, અને આ કારણે કેટલાય ભાગોમાં માવઠુ થવાનુ પુરેપુરી શક્યતા છે.
ઉત્તર, દક્ષિણ, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. 25 નવેમ્બરની વાત કરવામાં આવે તો દાહોદ, પંચમહાલ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં વરસાદની આગાહી કરાઈ છે. 26 નવેમ્બરે આણંદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, મહેસાણા, અમરેલી , ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. માવઠાની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ખેડૂતોને ખેતરમાં પડેલા પાકને ઢાંકીને રાખવા અથવા સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવા સૂચના આપવામાં આવી છે