રાજ્યની પ્રાથમિક શાળાના 2 લાખથી વધુ શિક્ષકોને CPR તાલીમ અપાશે
રાજ્યમાં હાલમાં હાર્ટ એટેકના કારણે મોતનો આંકડો વધી રહ્યો છે જેને લઇ સરકારે મોટો નિર્ણય કર્યો છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં તબીબી એસોસિયેશન અને વિવિધ શિક્ષણ સંઘો વચ્ચે યોજાયેલ બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ પણ જોડાયા હતા. આ બેઠકમાં વિદ્યાર્થીઓની સ્વાસ્થ્યની સલામતી માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યની પ્રાથમિક શાળાના 2 લાખથી વધુ શિક્ષકોને CPR તાલીમ આપવામાં આવશે. થોડા સમય પહેલા રાજ્યમાં પોલીસ જવાનોને સરકાર દ્વારા સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી હતી. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ અંગે જણાવ્યું હતું કે,
શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાને રાખી રાજ્યની તમામ સરકારી તથા અનુદાનિત પ્રાથમિક શાળાઓના 2 લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન (CPR) તાલીમ આપવામાં આવનાર છે. આ એક દિવસીય તાલીમ બે તબક્કામાં કરવામાં આવશે. તા. 3જી ડિસેમ્બર અને તા.17મી ડિસેમ્બર-2023ના રોજ રવિવારના દિવસે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની ૩૭ મેડિકલ કોલેજો અને અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦ થી વધુ ડૉકટરો અને તબીબી વ્યાવસાયિકો દ્વારા આ ટ્રેનીંગ સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ રીતે અપાશે.
આ કાર્યક્રમ સમગ્ર રાજયમાં સવારે ૧૦.૦૦ થી સાંજે ૦૫.૦૦ કલાક સુધી યોજાશે જેમાં ડૉકટર તજજ્ઞો દ્વારા ટ્રેનીંગ આપવામાં આવશે. ટ્રેનીંગ પુર્ણ થયા બાદ તાલીમ અંગેનું પ્રમાણપત્ર પણ એનાયત કરાશે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતેથી CPR તાલીમનો શુભારંભ કરાવશે.
ISA (Indian Society of Anaesthesiologists) દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો માટે મેગા CPR ટ્રેનિંગ પ્રોગ્રામ યોજવા જઈ રહેલ છે ત્યારે આજે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે(1/2) pic.twitter.com/HLCCUSRlhP
— Dr. Kuber Dindor (@kuberdindor) November 22, 2023