સાયન્સ સીટી ખાતે કેન્દ્રીય મંત્રી રૂપાલા અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવ પટેલની હાજરીમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ
‘વર્લ્ડ ફીશરીઝ ડે’ અંતર્ગત આજે સાયન્સ સીટી, અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાજી અને ગુજરાતના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે,
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાના માર્ગદર્શનમાં યોજાયેલી બેઠકમાં ગત વર્ષે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા મત્સ્યોદ્યોગ વિભાગને ફાળવાયેલ નાણાકીય ગ્રાન્ટ મુજબના વિકાસ કામોના લાભ છેવાડાના માછીમારો સુધી પહોંચે તે પ્રમાણે ઝડપ કરવા તાકીદ કરવામાં આવી છે. વધુમાં આગામી બજેટમાં પણ અંતરીયાળ અને છેવાડાના મત્સ્યોદ્યોગ ક્ષેત્રે રોજગારી મેળવી રહેલા માછીમારો સુધી લાભો પહોંચે તે ધ્યાને રાખીને, નવા સી-ફુડ પાર્ક, એકવા પાર્ક, નવા બંદરો અને નવા ફીશ લેન્ડીંગ સેન્ટરો માટે જરૂરી સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને નિયત દરખાસ્ત તૈયાર કરીને સરકાર સમક્ષ મંજુરી અર્થે રજૂ થાય તેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે
તેમ મંત્રીએ ઉમેર્યું હતું. મંત્રી પટેલે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર સમક્ષ જે કોઇ માંગણીઓ મૂકવામાં આવે છે તેના ઝડપથી હકારાત્મક પ્રતિભાવો મળતા હોઈ, કેન્દ્ર સરકાર સમક્ષ મૂકવાની બાકી હોય તેવી માંગણીઓ પણ ઝડપી મોકલી આપવી જોઇએ. રાજયના નાના અને ગરીબ માછીમારોના વ્યાપક હિતમાં મત્સ્યોદ્યોગ વિભાગને સ્પર્શતા એવા પીએમએમએસવાય યોજના અંતર્ગત વિકાસ કામોનું જરૂરી આયોજન કરી, કેન્દ્ર સરકારમાં તે સંદર્ભેની દરખાસ્તો મોકલી આપવી જોઇએ.
રાજ્યના નાનામાં નાના અને ગરીબ એવા માછીમારો સુધી મત્સ્યોદ્યોગ વિભાગની યોજનાની સમજ અને તે અંગેની પૂરતી માહિતી પહોંચે અને એક પણ લાભાર્થી લાભોથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવાની પણ આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી રૂપાલાજી અને રાજ્યના મંત્રી રાઘવજીભાઈએ મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી.