માવઠાથી ખેડૂતો બરબાદ-દેવાદાર થયા, સરકાર સહાય આપે: કોંગ્રેસ
રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન થયેલા માવઠાથી ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. તથા ખેડૂતોના શિયાળુ પાકોને લઇ થયેલા નુકસાન બાબતે હવે વિવિધ રાજકીય પક્ષો હરકતમાં આવ્યા છે અને રાજ્ય સરકારો સામે સવાલો ઉઠાવ્યા છે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આજે પ્રેસ કૉન્ફરન્સ યોજી રાજ્ય સરકારને માવઠા મુદ્દે ગેરી છે અને ખેડૂતોને સહાય આપવા માંગ કરી છે. આજે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ચાવડાએ સરકારને ગેરતા કહ્યું કે,
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીમાં મોટુ નુકસાન પહોંચ્યુ છે, ખેડૂતો બરબાદ થયા છે, દેવાદાર થયા છે. સરકારે વચનો પૂરા નથી કર્યા, ખેડૂતો દેવાદાર થયા છે. આર્થિક બરબાદીની સાથે સાથે ગુજરાતમાં જાનહાની પણ થઈ છે. 25થી વધુ લોકોના વીજળી પડવાથી મોત નિપજ્યા છે. 60 તાલુકાઓમા 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં એરંડાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. માવઠાથી જીરુની વાવણીને પણ અસર થઈ છે. આમ રાજ્યમાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. દર વખતે કુદરતી આફત સમયે સરકાર મોટી મોટી જાહેરાત કરે છે,
અતિવૃષ્ટિમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લાને સહાય જાહેર કરી હતી પરંતુ આપી નથી. બિપરજૉય વાવાઝોડાની પૂરી સહાય પણ હજુ ચૂકવાઈ નથી. ખેડૂતોના નુકસાન માટે વળતર મળે તે માટે વિમાની વ્યવસ્થા હોવી જોઈએ. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કંપનીઓને પ્રીમિયમ આપીને બંધ કરી દીધી છે. કુદરતી આફત આવ્યા બાદ ખેડૂતને આપઘાત કર્યા સિવાય કોઈ રસ્તો બચતો નથી. ખેડૂતોને નુકશાનીના વળતર માટે અલગથી વિભાગ હોવો જોઈએ. મુખ્યમંત્રી જાપાનમાં બુલેટ ટ્રેનમાં ફરે છે. 10 દિવસોમાં સર્વે પૂર્ણ કરી નુકસાનીનું પૂરતું વળતર આપવામાં આવે. પશુઓના મૃત્યુ સામે બજાર કિંમત પ્રમાણે સહાય ચુકવવામાં આવે. વીજળી પડવાથી 25 જેટલા લોકોના મૃત્યુ થયા છે, તેમના પરિવારને 10 લાખ રૂપિયાની સરકારે સહાય આપવી જોઇએ.