ગાંધીનગરગુજરાત

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પ્રત્યેક ગામમાં પ્રાકૃતિક કૃષિ સખીની પસંદગી કરાશે

પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવા રાજ્યના પ્રત્યેક ગામમાં ખેતી કરતી મહિલાઓ પૈકી એક પ્રાકૃતિક કૃષિ સખીની પસંદગી કરવામાં આવશે. પ્રાકૃતિક કૃષિ સખી પોતાના ગામમાં એક વર્ષમાં ઓછામાં ઓછા ૨૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા અને માર્ગદર્શન આપશે. પોતાના ગામમાં પ્રાકૃતિક ખેતીનું એક મોડેલ ફાર્મ બને એ માટે પ્રયત્ન કરશે. આ માટે પ્રાકૃતિક કૃષિ સખીને દર મહિને ₹ ૬,૦૦૦ નું મહેનતાણું મળે એવું આયોજન પણ થઈ રહ્યું છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે રાજ્યના તમામ જિલ્લા કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રાકૃતિક કૃષિ વિશે વિસ્તૃત વાત કરી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગત મહિને ૨૨ જિલ્લાની ૫,૦૦૦ જેટલી બહેનો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કર્યા પછી તેમાંથી ૪૫૬ આગેવાન મહિલાઓની પસંદગી કરવામાં આવી છે. જેમને પ્રાકૃતિક કૃષિની સઘન તાલીમ આપીને નિષ્ણાત તરીકે તૈયાર કરાશે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાંથી પ્રાકૃતિક કૃષિ કરતી મહિલાઓને પસંદ કરીને તેમને પ્રાકૃતિક કૃષિ સખી તરીકેની જવાબદારી સોંપવામાં આવશે. પ્રાકૃતિક કૃષિ સખી બહેનોને પ્રતિમાસ ₹ ૬,૦૦૦ નું મહેનતાણું ખાનગી કંપનીઓ અને ઉદ્યોગગૃહો પોતાના સી.એસ.આર. ફંડમાંથી સીધું આપે એવું આયોજન છે.

આ સામાજિક જવાબદારી સમાજ સ્વયં નિભાવે એ માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉદ્યોગગૃહો અને વેપારગૃહોને અનુરોધ કર્યો છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને પોતપોતાના જિલ્લામાં આ માટે પ્રયત્નો કરવા રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો હતો.
પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છતા ખેડૂતો પાસે ગાય નહીં હોવાને કારણે પણ અવરોધ આવે છે. આ માટે રાજ્યની ગૌશાળા-પાંજરાપોળ  ગૌમુત્ર અને ગોબરમાંથી જીવામૃત અને ઘનજીવામૃત તૈયાર કરે તથા પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છતા ખેડૂતોને રાહત ભાવે ઉપલબ્ધ કરાવે એવું આયોજન કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અનુરોધ કર્યો હતો. પાંજરાપોળ અને ગૌશાળાઓ જીવામૃતનો દર પ્રતિ લીટર રૂપિયા ૫.૦૦ અને ઘન જીવામૃત નો દર પ્રતિ કિલો રૂપિયા ૮.૦૦ રાખે એવું સૂચન પણ તેમણે કર્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x