આર્મી-પોલીસ ભરતીની તૈયારી માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં વિનામૂલ્યે નિવાસી તાલીમ, ₹3000 સ્ટાઇપેન્ડ પણ મળશે
ગાંધીનગરની જિલ્લા રોજગાર કચેરી દ્વારા સંરક્ષણ સેવાઓ, પેરા મિલિટરી ફોર્સ અને પોલીસ ફોર્સમાં જોડાવા ઇચ્છુક ગુજરાતના યુવાનો માટે એક સુવર્ણ તક જાહેર કરવામાં આવી છે. કચેરી દ્વારા સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ નિવાસી તાલીમવર્ગ અંતર્ગત ભરતી પહેલાં શારીરિક અને માનસિક ક્ષમતા માટેની વિનામૂલ્યે અને સ્ટાઇપેન્ડ સાથેની નિવાસી તાલીમ યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યોજનાનો ઉદ્દેશ્ય ગુજરાતના યુવાનોને સંરક્ષણ સેવાઓ પ્રત્યેના અજ્ઞાનતાને દૂર કરી, ભરતી માટે સક્ષમ બનાવવાનો છે, જેથી રાજ્યમાં ખાલી રહેતી જગ્યાઓ ભરી શકાય.
તાલીમની મુખ્ય વિગતો:
- તાલીમનો હેતુ: આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરી દળો અને પોલીસ ફોર્સની ભરતી માટે શારીરિક કસોટી (દોડ, લાંબો કૂદકો, પુલ-અપ્સ) અને લેખિત પરીક્ષા (અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન) માટે ઘનિષ્ઠ તાલીમ.
- લાયકાત: ધોરણ 10 પાસ (ઉંમર 17.5 થી 21 વર્ષ) અથવા ધોરણ 12 પાસ (ઉંમર 17.5 થી 23 વર્ષ).
- સગવડો: આ તાલીમ સંપૂર્ણપણે વિનામૂલ્યે છે. ઉમેદવારોને રહેવા અને જમવાનું વિનામૂલ્યે આપવામાં આવશે.
- સ્ટાઇપેન્ડ: દરેક ઉમેદવારને દરરોજ ₹100/- લેખે 30 દિવસ માટે કુલ ₹3,000/- નું સ્ટાઇપેન્ડ ચેક દ્વારા ચૂકવવામાં આવશે.
- ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ: 30 ઓક્ટોબર, 2025, સાંજે 05:00 વાગ્યા સુધી.
- સ્થળ: જિલ્લા રોજગાર કચેરી, ‘સી’વિંગ, પહેલો માળ, સહયોગ સંકુલ, સેક્ટર-11, ગાંધીનગર.
ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક પ્રમાણપત્રો (ધો. 10/12/ગ્રેજ્યુએશનની માર્કશીટ), લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, બેંક પાસબુક, જાતિનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ફોટો આઇડેન્ટિટી પ્રૂફની ઝેરોક્ષ સાથે નિયત નમૂનાનું ફોર્મ ભરીને કચેરીમાં જમા કરાવવાનું રહેશે.