સૂર્યકુમાર સાઉથ આફ્રિકામાં T20I ક્રિકેટમાં ફિફ્ટી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગઈકાલે પોર્ટ એલિઝાબેથમાં T20I સિરીઝની બીજી મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમની કપ્તાની કરી રહેલા સૂર્યકુમાર યાદવે ફરી એકવાર શાનદાર બેટિંગ કરતા ફિફ્ટી ફટકારી હતી. જો કે આ ઇનિંગ પર પાણી ફરી ગયું હતું કારણ કે સાઉથ આફ્રિકા સામે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ દરમિયાન સૂર્યાએ એક મોટી સિદ્ધિ મેળવી હતી.
તે ભારતીય ટીમનો પ્રથમ એવો કેપ્ટન બની ગયો છે જેણે સાઉથ આફ્રિકાની ધરતી પર કેપ્ટન તરીકે T20Iમાં ફિફ્ટી ફટકારી છે. ભારત તરફથી એક કેપ્ટન તરીકે સાઉથ આફિકાની ધરતી પર T20I ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ ભારતના પૂર્વ દિગ્ગજ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના નામે હતો. હવે સૂર્યાએ ધોનીના આ 16 વર્ષ જૂના રેકોર્ડને તોડી દીધો છે. ધોનીએ વર્ષ 2007માં સાઉથ આફ્રિકા સામે 45 રનની ઇનિંગ રમી હતી.
સૂર્યકુમાર યાદવે સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની T20I સિરીઝની બીજી મેચમાં 36 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 56 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આમ સૂર્યા સાઉથ આફ્રિકામાં T20I ક્રિકેટમાં ફિફ્ટી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે.