ગાંધીનગર

સરકારી તંત્રની ગુનાહિત બેદરકારી : ગાંધીનગર સિવિલ હોસ્પિટલને ફાયર વિભાગનું NOC નથી, મેડિકલ કોલેજમાં ફાયરના સાધનોના પણ ઠેકાણા નથી.

ગાંધીનગર :

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજ્જારો લોકો આવે છે અહીં દર્દી અને તેમના સગા ઉપરાંત ડોક્ટર સહિત અન્ય સ્ટાફ પણ કામ કરે છે પરંતુ આ તમામ રામભરોશે હોય તેમ સિવિલ હોસ્પિટલનું ફાયર એનઓસી લેવામાં આવ્યું નથી.સિવિલમાં ફાયરના અગ્નિશામક સાધનો છે પરંતુ ફાયર વિભાગનું પ્રમાણપત્ર નથી જ્યારે મેડિકલ કોલેજ બિલ્ડીંગ તથા સંકુલમાં આવેલા ત્રણ હોસ્પિટલ બિલ્ડીંગમાં પુરતા પ્રમાણમાં ફાયર સેફ્ટીના સાધનો પણ નથી ત્યારે લાખ્ખોની ફી વસુલતી સોસાયટી વિદ્યાર્થીઓની સુરક્ષામાં ક્યાંકને ક્યાંક કચાસ કરી રહ્યં હોય તેમ સ્પષ્ટ દેખાઇ આવે છે.

સુરતમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સરકાર સફાઇ જાગી છે અને સરકારી ખાનગી તમામ બિલ્ડીંગમાં ફાયરનું ચેકીંગ તથા તેનું એનઓસીના નિયમનો કડકપણે અમલ થાય તેનો આગ્રહ રાખવામાં આવ્યો છે જેના અનુસંધાને જિલ્લામાં પણ વિવિધ ટીમો બનાવીને ચેકીંગ તથા સીલીંગના નાટકો શરૂ થયા છે તો બીજીબાજુ જિલ્લામાં એક જ જગ્યાએ સૌથી વધુ માણસો ભેગા થતા હોય તેવી ગાંધીનગર સિવિલ હોસ્પિટલને જ ફાયરની એનઓસી નહીં હોવાનું સામે આવ્યું છે.
અહીં ફાયરએસ્ટીંગ્યુઝર એટલે કે, અગ્નિશામક સાધનો પર્યાપ્ત હોવાનું દેખાઇ આવે છે અને સમયાંતરે સિવિલના સ્ટાફને સેફ્ટી અંગે ટ્રેનીંગ પણ આપવામાં આવે છે એટલુ જ નહીં, સિવિલ પાસે તાલીમબધ્ધ ફાયરનો સ્ટાફ પણ છે પરંતુ સિવિલમાં ફાયર સેફ્ટી અંગે છેલ્લા એક વર્ષથી કોઇ પણ પ્રકારનું ચેકીંગ કરવામાં આવ્યું નથી કે તેને નોટિસ કે પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું નથી.

જેના કારણે અહીં સારવાર માટે આવતા રોજના હજ્જારો દર્દીઓ અને તેના સગાની સાથે સાથે ડોક્ટર-અધિકારીઓ સહિત સિવિલ સ્ટાફની જીંદગી પણ દાવ ઉપર લાગી છે. તો બીજીબાજુ સિવિલ સંકુલમાં આવેલી મેડિકલ કોલેજ અને તેને સંલગ્ન ગર્લ્સ, બોઇઝ અને પીજી હોસ્ટેલમાં તો પુરતા પ્રમાણમાં અગ્નિશામક સાધનો નહીં હોવાનું જોવા મળી રહ્યું છે. આઠ માળની હોસ્ટેલ બિલ્ડીંગ હોવા છતા ફાયરની પાણીની લાઇન કટાઇ ગયેલી છે એટલુ જ નહીં, અહીં પાણીના પણ કોઇ ઠેકાણા નથી.

ત્યારે લાખ્ખો રૂપિયા ફી ભરતા વિદ્યાર્થીઓ સાથે પણ સોસાયટી છેતરપીંડી કરતી હોય તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુરતની દુર્ઘટનાને પાંચ દિવસ થઇ ગયા અને સૌથી સંવેદનશીલ આ વિસ્તાર હોવા છતા અહીં ફાયરની એનઓસી બાબતે કોઇ ચેકીંગ પણ કરાયું નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x