પોલીસ અધિકારીએ જ દારૂની 3 ટ્રક રાજસ્થાનથી ગાંધીનગર મંગાવી, હાલ અધિકારીઓ ગુમ!
ગાંધીનગર :
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો ભલે થતી હોય પરંતુ હકીકત સાવ અલગ છે. ગાંધીનગર બેસતા ગૃહ વિભાગ નજીક જ રાજસ્થાનથી ગાંધીનગર સુધી પોલીસની મહેરબાનીથી દારૂ આવે છે તે સત્યને નકારી શકાય તેમ નથી.
લોકસભાની ચૂંટણીની મત ગણતરી હતી તે સમયે ગાંધીનગરના એક પોલીસ અધિકારીએ રાજસ્થાનથી ત્રણ ટ્રક દારૂ મંગાવ્યો હતો, જોકે ત્રીજી ટ્રક રાજસ્થાન પોલીસે પકડતા તેમાંથી ગાંધીનગરના બે કોન્સ્ટેબલો પણ મળી આવ્યા હતા.
આ પોલીસ અધિકારી તૂર્ત જ રાજસ્થાન દોડી ગયા અને ટ્રક તેમજ કોન્સ્ટેબલને છોડવા માટે ૨૦ લાખનો ચાલ્લો કરી આવ્યા હતા, આ અધિકારી ભુગર્ભમાં જતા રહ્યા છે.
રાજસ્થાનથી બે ટ્રક ગાંધીનગર સુધી આવી પરંતુ તેને રાજસ્થાનથી ગાંધીનગર આવતા વિજિલન્સ સહિત એક પણ એજન્સી કે જિલ્લા પોલીસે પકડી નહતી.
સૂત્રો કહે છે કે, લોકસભાની ચૂંટણીના પરિણામોના દિવસે સારી ક્વોલીટીનો દારૂ મળે તે માટે રાજસ્થાનથી દારૂ મંગાવ્યો હતો. દારૂ મંગાવવાની વ્યવસ્થા ગાંધીનગરના એક અધિકારીએ હાથમાં લીધી હતી. ગાંધીનગરના બે કોન્સ્ટેબલો રાજસ્થાન ગયા અને ત્યાથી બે ટ્રક ગાંધીનગર મોકલ્યા હતા.
આ બંને ટ્રક હેમખેમ ગાંધીનગર પહોંચ્યા, જે તે વ્યક્તિ સુધી દારૂનો જથ્થો પણ પહોચી ગયો હતો પરંતુ ત્રીજી દારૂ ભરેલી ટ્રકમાં બે કોન્સ્ટબલો આવતા હતા.
આ સમયે રાજસ્થાન પોલીસે ટ્રક પકડી પાડતા અધિકારી સાથે વાત કરાવી હતી. કેસ ન થાય તે માટે અધિકારી પાસે ૪૦ લાખ માંગ્યા, આખરે ૨૦ લાખમાં મામલો સેટ કરી તેઓ પરત ફર્યા હતા. ગુજરાત પોલીસની આબરૂ ન જાય તે માટે આ કેસમાં પણ ભીનુ સંકેલી દેવામાં આવ્યું હતુ.