અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કારણે ગુજરાતમાં બેન્કિંગ કામગીરી 80% ઘટી
સોમવારે અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના કારણે ગુજરાત સહિત દેશભરમાં રજા જેવો માહોલ હતો. આના કારણે ગુજરાતમાં બેન્કિંગ કામગીરી 80% જેટલી ઘટી ગઈ હતી. સામાન્ય દિવસોમાં બેન્કોમાં દૈનિક રૂ.15,000 કરોડની આસપાસના કામકાજ થતા હોય છે. તેની સામે સોમવારે 22 જાન્યુઆરીના રોજ અંદાજે રૂ.3,000-4,000 કરોડના જ ટ્રાન્ઝેક્શન થયા હતા. બેન્કર્સના જણાવ્યા પ્રમાણે વેપાર ધંધા, મુખ્ય બજારો, શૈક્ષણિક કાર્ય વગેરે બંધ હતા. બીજી તરફ્ બેંકો બપોરે 2.30 કલાકે શરૂ થઇ હતી તેના કારણે બેન્કોમાં પાંખી હાજરી જોવા મળી હતી. મહાગુજરાત બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (સ્ય્મ્ઈછ)ના જનરલ સેક્રેટરી જનક રાવલે જણાવ્યું કે, પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના કારણે બેન્કોમાં સવારના ભાગે કામગીરી બંધ હતી. સોમવારે એકંદરે વ્યવહારોનું પ્રમાણ ઘણું ઓછું રહ્યું હતું, ખાસ કરીને રોકડના વ્યવહારો અને વિડ્રોઅલ જેવા કાઉન્ટર પર થતા ટ્રાન્ઝેક્શન મર્યાદિત રહ્યા હતા. ચેક ક્લિયરિંગ નિયત સમય મુજબ થયું છે. બેંકોમાં ગ્રાહકોની સંખ્યા ઘણી ઓછી હતી કારણ કે ઘણી વ્યાપારી સંસ્થાઓ કાર્યરત ન હતી.